Loading Please Wait !!!
જૂનાગઢ GIDC ના ઉદ્યોગકારો સામે તંત્ર નમ્યું: 'ચક્કાજામ'ની ચીમકી મળતા જ મેયર ગ્રાઉન્ડ ઝીરો પર દોડતા થયા!

  • "વિરોધ વગર વિકાસ નહીં" ના નારા સાથે કારખાનેદારો મેદાનમાં - મેયરે આપી 25 દિવસમાં રોડ પૂર્ણ કરવાની લેખિત ખાતરી
  • જીઆઈડીસી-2 ફેક્ટરી ઓનર્સ એસોસિએશનની એકતા રંગ લાવી - ગટર લાઈનના વિવાદમાં સુખદ સમાધાન બાદ તંત્ર એક્શનમાં
  • 6 મહિનાથી ખોરંભે પડેલા બોક્સ કલવર્ટ અને રોડના કામમાં તેજી - વેપારી મંડળે આક્રમક તેવર બતાવતા આંદોલન સફળ

જૂનાગઢ જીઆઈડીસી-2 ના ઉદ્યોગકારો અને કારખાનેદારોએ સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં જ્યારે જનતા એકજૂથ થાય છે ત્યારે તંત્રને ફરજિયાત એક્શનમાં આવવું પડે છે. છેલ્લા 8 મહિનાથી બિસ્માર રસ્તાઓ અને ધૂળની ડમરીઓ વચ્ચે વેપાર કરતા ઉદ્યોગકારોનો સંયમ ખૂટતા, ગઈકાલે તેમણે હજારોની સંખ્યામાં એકઠા થઈને જે ચક્કાજામની ચીમકી આપી તેનાથી જૂનાગઢ મહાનગરપાલિકામાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

8 મહિનાની પીડા અને 25 દિવસનો વાયદો GIDC-2 ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાની આગેવાનીમાં ઉદ્યોગકારો ગેટ નંબર-2 પાસે એકઠા થયા હતા. તેમનો મુખ્ય વિરોધ બોક્સ કલવર્ટના કામને કારણે અપાયેલા ડાયવર્ઝનની અત્યંત દયનીય હાલત સામે હતો. મેયર ધર્મેશ પોશિયાએ સ્વીકાર્યું હતું કે ટ્રાફિકને કારણે ડાયવર્ઝન ખરાબ થયું છે. ઉદ્યોગકારોના આક્રોશને પારખી ગયેલા મેયરે માત્ર મૌખિક નહીં પણ લેખિતમાં બાંહેધરી આપી છે કે આગામી 25 થી 30 દિવસમાં અહીં ડામર રોડ તૈયાર થઈ જશે.

ગટરનો વિવાદ અને સુખદ અંત આ મામલે ગટર લાઈન નાખવાના મુદ્દે પણ થોડા સમયથી ખેંચતાણ ચાલતી હતી. કોર્પોરેટરો અને ઉદ્યોગકારો વચ્ચે એવી ગેરસમજ હતી કે રોડ બનાવ્યા પછી ગટર માટે ફરીથી તોડવામાં આવશે. જોકે, મેયરની હાજરીમાં થયેલી બેઠકમાં આ ગેરસમજ દૂર કરાઈ છે. હવે પહેલા રસ્તાનું નવીનીકરણ થશે જેથી ઉદ્યોગકારોને માલસામાનની હેરફેર કરવામાં રાહત રહે. રાજકોટ જેવી જ ઔદ્યોગિક ગતિ ધરાવતા જૂનાગઢમાં જો રસ્તાઓ સારા હશે તો વેપારમાં વૃદ્ધિ થશે, તેવી આશા સાથે વેપારી મંડળે હાલમાં પોતાનું આંદોલન સમેટી લીધું છે.