Loading Please Wait !!!
જૂનાગઢમાં 'ઝેર'નો સોદાગર ઝડપાયો: લાઠોદ્રા રોડ પરથી 19 ગ્રામ MD ડ્રગ્સ સાથે 21 વર્ષીય યુવાનની ધરપકડ!

  • SOG ની ટીમે વોચ ગોઠવી લાખાણી શખ્સને આંતર્યો - મોપેડ અને મોબાઈલ સહિત ₹97 હજારનો મુદ્દામાલ કબજે
  • બર્ગમેન મોપેડ પર નશાનો જથ્થો લઈ નીકળ્યો હતો નરવિરસિંહ - અન્ય એક આરોપી અજય લાખાણી હજુ પોલીસ પકડથી દૂર
  • બાતમીના આધારે વોચ ગોઠવી 19.15 ગ્રામ ડ્રગ્સ પકડ્યું - સપ્લાયર કોણ છે તે શોધવા જૂનાગઢ પોલીસની તપાસ તેજ

જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ઉખેડી નાખવા માટે પોલીસ અધિક્ષકની સૂચનાથી ચાલતા સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત એસ.ઓ.જી. ટીમને મોટી સફળતા મળી છે. માળિયા હાટીના તાલુકાના લાઠોદ્રા ગામ પાસે પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ (MD) ના જથ્થા સાથે એક 21 વર્ષીય યુવાનને ઝડપી લેવામાં આવ્યો છે. આ ડ્રગ્સનું વેચાણ કરી તે જિલ્લાની યુવા પેઢીને બરબાદ કરવાના ફિરાકમાં હતો.

બાતમી અને વ્યૂહાત્મક ઓપરેશન જૂનાગઢ એસ.ઓ.જી.ને સચોટ બાતમી મળી હતી કે નરવિરસિંહ લાખાણી નામનો શખ્સ પોતાની બર્ગમેન મોપેડ પર ડ્રગ્સનો જથ્થો છુપાવીને પાણીધ્રા પાટીયા તરફ જઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે જેટકો સબસ્ટેશન સામે ફિલ્મી ઢબે વોચ ગોઠવી હતી. જેવો બાતમી મુજબનો યુવાન ત્યાંથી પસાર થયો, પોલીસે તેને કોર્ડન કરીને આંતરી લીધો હતો. અંગઝડતી લેતા તેની પાસેથી 19.15 ગ્રામ નશીલો પદાર્થ મળી આવ્યો હતો.

સપ્લાયર અને નેટવર્કની તપાસ પોલીસ તપાસમાં આ ડ્રગ્સના કારોબારમાં અન્ય એક શખ્સ અજય લાખાણીનું નામ પણ સામે આવ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં આ ડ્રગ્સનો મુખ્ય સ્રોત કયો છે અને જૂનાગઢમાં કોને આ માલ પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. જૂનાગઢ અને રાજકોટ જેવા શહેરોમાં એમડી ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે, ત્યારે 21 વર્ષના યુવાનની ધરપકડથી વાલીઓમાં પણ ચિંતા પ્રસરી છે. પોલીસે NDPS એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.