જૂનાગઢમાં 'પટેલ કેળવણી મંડળ'નો વિવાદ વકર્યો: ટ્રસ્ટીના પુત્ર ચેતન ફળદુએ ધારાસભ્ય અને વાલીઓને જાહેરમાં ગાળો ભાંડી!
- "સંજય કોરડિયાને ખબર નથી હું કોણ છું" - સત્તાના નશામાં ચૂર ચેતનનો અભદ્ર વીડિયો વાયરલ થતા પાટીદાર સમાજમાં ભારે રોષ
- ઉપવાસ પર બેઠેલા વાલીઓને કહ્યા 'આપ' ના એજન્ટ - જ્ઞાતિ વિષયક ટિપ્પણીથી જૂનાગઢના રાજકારણમાં ગરમાવો
- "મારો જન્મ થયો ત્યારે દાદા MLA હતા" - ચેતન ફળદુએ પૂર્વજોના નામે વર્તમાન પ્રતિનિધિનું કર્યું અપમાન
જૂનાગઢ શહેરની શૈક્ષણિક અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવતી સંસ્થા 'પટેલ કેળવણી મંડળ' અત્યારે વિવાદોના વંટોળમાં ફસાઈ છે. ટ્રસ્ટી કાંતિ ફળદુ સામે વાલીઓનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કાંતિભાઈના પુત્ર ચેતન ફળદુએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં ચેતન ફળદુ જે પ્રકારે લોકપ્રતિનિધિ અને વાલીઓ માટે ભાષા વાપરી રહ્યો છે, તેનાથી સમગ્ર પાટીદાર સમાજમાં રોષની લહેર પ્રસરી છે.
ધારાસભ્યને ગાળો અને 'વારસા' નું ગુમાન વાયરલ વીડિયોમાં ચેતન ફળદુ સ્પષ્ટપણે ધારાસભ્ય સંજય કોરડિયાને ગાળો આપતા સંભળાય છે. તેણે પોતાના દાદા જામજોધપુરના ધારાસભ્ય હતા તેનો અહંકાર બતાવતા કહ્યું કે, "સંજયને ખબર નથી કે હું કોણ છું." તેણે ધારાસભ્ય પર પૈસા આપીને આંદોલન કરાવવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો છે. આ બાબતે રાજકીય વર્તુળોમાં પણ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.
વાલીઓને 'આપ' ના એજન્ટ ગણાવ્યા શાળાના ફી વધારા અને ટ્રસ્ટીઓના ગેરવર્તન સામે ઉપવાસ પર બેઠેલા વાલીઓને ચેતને 'આમ આદમી પાર્ટી' ની ટીમ ગણાવી છે. તેણે અહેસાન જતાવતા કહ્યું કે દીકરીઓ મફત ભણે છે છતાં આ લોકો વિરોધ કરે છે. જોકે, વાલીઓએ વળતો જવાબ આપતા કહ્યું કે, અમે કોઈ રાજકીય પાર્ટીના માણસો નથી પણ અન્યાય સામે લડતા જ્ઞાતિના જ દીકરા છીએ.
સમાજમાં ફાંટા પાડવાનો પ્રયાસ? વીડિયોમાં ચેતને થાણાપીપળી ગામના વાલીઓને પાટીદાર જ્ઞાતિના નથી તેવું કહીને જ્ઞાતિગત વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કર્યો છે. ચંદ્રેશ જારસાણીયાએ આક્રોશ સાથે જણાવ્યું કે, "ચેતન ફળદુ સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે. સંસ્થાની ગરિમા જાળવવા માટે હવે કાંતિ ફળદુ અને અન્ય ટ્રસ્ટીઓએ તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ." આ મામલો હવે પોલીસ અને વહીવટી તંત્ર સુધી પહોંચવાની પૂરી શક્યતા છે.