Loading Please Wait !!!
જામનગરમાં મહોરમ પહેલા પોલીસની મેગા ડ્રાઈવ, 24 ઘાતક હથિયારો જપ્ત

  • અસામાજિક તત્વોમાં ફફડાટ, રેન્જ આઈજી અને એસપીના સીધા આદેશથી બોલાવાયો સપાટો
  • એલસીબી અને એસઓજીની ટીમોએ શહેરમાં ચેકિંગ વધારી દીધું, ગુંડાઓમાં ડરનો માહોલ
  • રેમ્બો છરી અને તલવારો સાથે પકડાયેલા શખ્સો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ

સિટી ન્યુઝ @ જામનગર

જામનગરમાં આગામી મહોરમના તહેવારને અનુલક્ષીને શહેરમાં શાંતિ અને સલામતીનો માહોલ જાળવી રાખવા માટે જિલ્લા પોલીસે કમર કસી છે. તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે શહેરમાં વિશેષ ‘હથિયાર કેસ ડ્રાઇવ’ શરૂ કરી છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત પોલીસે અલગ અલગ સ્થળોએથી કુલ 24 જેટલા તીક્ષ્ણ અને ઘાતક હથિયારો જપ્ત કર્યા છે. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના સીધા માર્ગદર્શન હેઠળ શરીર સંબંધી ગંભીર ગુનાઓ અટકાવવા માટે આ આક્રમક કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસની આ ખાસ ડ્રાઇવમાં જામનગર શહેરના અતિ સંવેદનશીલ વિસ્તારો અને ભૂતકાળમાં જ્યાં શરીર સંબંધી ગુનાઓ બન્યા હોય તેવા હોટસ્પોટને મુખ્ય લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા પોલીસે ખુલ્લા બજારમાં રેમ્બો છરીનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત અગાઉ હથિયારના ગુનામાં પકડાયેલા રીઢા ગુનેગારો અને ગેરકાયદેસર રીતે છરી કે તલવાર જેવા હથિયારો સાથે ફરતા શંકાસ્પદ ઇસમો પર પણ કડક નજર રાખીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ મેગા ઓપરેશનને સફળ બનાવવા માટે શહેર પોલીસની વિવિધ બ્રાન્ચ અને ટીમોને કામે લગાડવામાં આવી હતી. જેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કોડ તેમજ સિટી ‘એ’, સિટી ‘બી’ અને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમોએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડ્યું હતું. આ ટીમોએ 24 શસ્ત્રો કબ્જે કરી પકડાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને કાયદો હાથમાં લેનાર કોઈપણ વ્યક્તિને નહિ બક્ષવાનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

તહેવારોમાં પોલીસની સતર્કતાથી જનતાને રાહત તહેવારોના સમયમાં ભીડભાડનો લાભ ઉઠાવીને અસામાજિક તત્વો ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોય છે. આવા સમયે પોલીસ દ્વારા અગાઉથી જ શંકાસ્પદ વિસ્તારોમાં ચેકિંગ અને હથિયાર જપ્તી જેવી કડક કામગીરી કરવાથી ગુનેગારોમાં ડરનો માહોલ ઊભો થાય છે. સુરક્ષા એજન્સીઓની આ આગોતરી સતર્કતાના કારણે સામાન્ય જનતા ભયમુક્ત વાતાવરણમાં પોતાના તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે અને ઉત્સાહભેર કરી શકે છે.