Loading Please Wait !!!
જામનગરમાં ચૂંટણીનો ધમધમાટ: મતદાન મથકો પર 100 મીટરની લક્ષ્મણ રેખા ખેંચાઈ, વહીવટી તંત્ર દ્વારા માર્કિંગ શરૂ

 

  • કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ 4 ટીમો મેદાનમાં; નિષ્પક્ષ મતદાન માટે તંત્ર એક્શન મોડમાં

  • ગઈકાલ રાતથી જ કામગીરી શરૂ- આચારસંહિતાના ચુસ્ત પાલન માટે તંત્રની કવાયત; 4-4 વોર્ડ મુજબ ટીમોની વહેંચણી

  •  ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક બનાવવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ; કોઈ પણ અવરોધ વગર મતદાન થાય તે માટે માસ્ટર પ્લાન

    આગામી જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે મતદાન મથકોના ૧૦૦ મીટર વિસ્તારનું મેપિંગ અને ગ્રાઉન્ડ માર્કિંગ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.

    ૪ વોર્ડ દીઠ એક ટીમનું સંકલન વહીવટી તંત્ર દ્વારા જામનગર શહેરના કુલ ૧૬ વોર્ડને આવરી લેવા માટે ૪ અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી છે. દરેક ટીમને ૪-૪ વોર્ડની જવાબદારી સોંપાઈ છે. આ ટીમો દ્વારા મતદાન મથકથી ૧૦૦ મીટર સુધીના અંતરે સફેદ રંગથી માર્કિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી આચારસંહિતાના નિયમો મુજબ આ પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પણ પ્રકારની રાજકીય પ્રવૃત્તિ કે અનધિકૃત વ્યક્તિની અવરજવર રોકી શકાય.

    કલેક્ટર તંત્ર સતર્ક સમગ્ર કામગીરી જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. માર્કિંગની સાથે સાથે મતદાન મથકોની આંતરિક વ્યવસ્થાઓ, જેવી કે પીવાના પાણીની સુવિધા, રેમ્પ અને લાઈટિંગની તૈયારીઓ પણ સમાંતર રીતે કરવામાં આવી રહી છે. ગઈકાલ રાત્રિથી શરૂ થયેલી આ કામગીરી દ્વારા તંત્ર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે મતદાનના દિવસે મતદારોને કોઈ પણ મુશ્કેલી ન પડે અને પ્રક્રિયા પારદર્શક રહે.