Loading Please Wait !!!
જામનગરના સાંસદ પૂનમ માડમે રૂઢિચુસ્ત પરંપરા તોડી માતાને કાંધ આપી

  • પૂર્વ મંત્રી અને ધારાસભ્યોની હાજરીમાં પુત્રીધર્મ નિભાવીને સમાજને આપ્યો મોટો અને ક્રાંતિકારી સંદેશ
  • દિનાબેનના નિધનથી હાલાર પંથકમાં શોકનો માહોલ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ શ્રદ્ધાંજલિ અર્પવા ઉમટી પડ્યા
  • અશ્રુભીની આંખે નનામીને કાંધ આપીને દીકરી તરીકેની પવિત્ર ફરજ નિભાવી, શહેરભરના આગેવાનો જોડાયા

સિટી ન્યુઝ @ જામનગર

જામનગર-દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ પૂનમ માડમના માતા દિનાબેન માડમનું અવસાન થતાં સમગ્ર હાલાર પંથકમાં અને રાજકીય જગતમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. નિધનના દુઃખદ સમાચાર મળતાં જ સામાજિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરોએ પરિવાર પ્રત્યે પોતાની ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી. આ દુઃખદ ઘડીમાં સાંસદ પૂનમ માડમે એક દીકરી તરીકે પોતાની માતાની નનામીને જાતે કાંધ આપીને સમાજની વર્ષો જૂની રૂઢિચુસ્ત પરંપરાને તોડી હતી અને માતાની અંતિમયાત્રામાં જોડાયા હતા.

માતા દિનાબેનની અંતિમયાત્રા દરમિયાન જામનગરમાં એક અત્યંત હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. સામાન્ય રીતે સામાજિક પરંપરા અને માન્યતા મુજબ માત્ર પુરુષો જ નશ્વર દેહને કાંધ આપતા હોય છે. પરંતુ પૂનમ માડમે આ તમામ રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકી, અશ્રુભીની આંખો સાથે પોતાની માતાની અર્થીને કાંધ આપીને એક આદર્શ દીકરી તરીકેની પોતાની પવિત્ર ફરજ નિભાવી હતી. અત્યંત ગમગીન વાતાવરણમાં યોજાયેલી આ ઐતિહાસિક અંતિમયાત્રામાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના તમામ પરિવારજનો પણ ભારે હૈયે જોડાયા હતા.

દિનાબેન માડમના અંતિમ દર્શન કરવા અને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવા માટે જામનગર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહાનુભાવો અને લોકો ઉમટી પડ્યા હતા. આ અંતિમયાત્રામાં રિલાયન્સ ગ્રુપના વાઈસ પ્રેસિડન્ટ ધનરાજ નથવાણી, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ પૂર્વ મંત્રી મુળુ બેરા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પૂર્વ સાંસદ ચંદ્રેશ પટેલ અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા જોડાયા હતા. જિલ્લાના અનેક સામાજિક-રાજકીય આગેવાનો અને સ્નેહીજનોએ ઉપસ્થિત રહી માડમ પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી.

સમાજ માટે પ્રેરણાદાયક અને ક્રાંતિકારી પગલું સામાન્ય રીતે આપણા સમાજમાં પુરુષો જ મૃતદેહને કાંધ આપતા હોય છે. પરંતુ જામનગરના સાંસદ પૂનમ માડમે પોતાની માતાની અંતિમયાત્રામાં જાતે નનામીને કાંધ આપીને એક અત્યંત પ્રેરણાદાયક અને હિંમતભર્યું ઉદાહરણ પૂરું પાડ્યું છે. રૂઢિચુસ્ત પરંપરાઓને બાજુ પર મૂકીને નિભાવેલો આ મહાન પુત્રીધર્મ આજના સમયમાં સમાજની અન્ય તમામ દીકરીઓ માટે પણ સમાનતાનો એક અત્યંત મોટો અને સ્પષ્ટ ક્રાંતિકારી સંદેશો આપી જાય છે.