જામનગર રોડ પર મોતની દોડ, બસે બે વાહનોને કચડી, એકનુ કરુણ મોત
=> પિતા વિહોણા પરિવાર પર આફત, બસચાલક ફરાર, પરિવાર તૂટ્યો
=> માતા નાની પુત્રીની હોટલમાં જમવાની ઈચ્છા પૂર્ણ કરવા નિકળ્યા ને મોત મળ્યું
=> બેફામ વાહનો સામે તંત્ર લાચાર, ક્યારે રોકાશે આ કહેર ?
સિટી ન્યૂઝ@રાજકોટ : શહેરમાં હિટ એન્ડ રનની વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જામનગર રોડ પર જલારામ હોટલ નજીક રાત્રિના સમયે એક ખાનગી બસના ચાલકે ટુવ્હીલરને અડફેટે લેતા બે સગી બહેનો રોડ પર ફંગોળાઈ હતી. આ અકસ્માતમાં ૧૫ વર્ષની તન્વી વાઘેલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે તેની ૧૦ વર્ષની નાની બહેન કાવ્યા હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
મળતી વિગતો મુજબ, નાના મવા ભીમનગર વિસ્તારમાં રહેતા નિશાબેન દિનેશભાઈ વાઘેલાના પતિ હયાત નથી અને તેઓ પારકા કામ કરીને ત્રણ દીકરીઓનું ગુજરાન ચલાવે છે. ગત રાત્રે દીકરીઓએ બહાર જમવા જવાની ઈચ્છા વ્યક્ત કરતા પરિવાર જામનગર રોડ પર આવેલી જલારામ હોટલ ખાતે જવા નીકળ્યો હતો. માતા નિશાબેન અને મોટી દીકરી દર્શના (૧૮ વર્ષ) રિક્ષામાં હતા, જ્યારે તન્વી (૧૫ વર્ષ) અને કાવ્યા (૧૦ વર્ષ) બંને ટુવ્હીલર પર પાછળ આવતા હતા.પરિવાર હજુ હોટલ નજીક પહોંચ્યો જ હતો ત્યાં પાછળથી પૂરપાટ ઝડપે આવતી એક ખાનગી બસના ચાલકે બંને બહેનોના ટુવ્હીલરને જોરદાર ઠોકર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બંને બહેનો વાહન સહિત રોડ પર પછડાઈ હતી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બસચાલક માનવતા નેવે મૂકી વાહન સાથે નાસી છૂટ્યો હતો. રિક્ષામાં આગળ જઈ રહેલા માતા અને મોટી બહેન તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બંનેને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આજે સવારે ૧૫ વર્ષની તન્વીએ અંતિમ શ્વાસ લીધા હતા. તન્વીએ આ વર્ષે જ ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી, પરંતુ તેમાં નાપાસ થઈ હતી. જ્યારે ઈજાગ્રસ્ત કાવ્યા હાલ ધોરણ-૭માં અભ્યાસ કરે છે. પિતાની છત્રછાયા ગુમાવનાર આ પરિવાર પર આભ ફાટ્યું છે. હોસ્પિટલ ચોકી દ્વારા આ મામલે ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અજાણ્યા બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.