જજ વી.કે. ભટ્ટને રાજકોટમાં અપાઈ ઐતિહાસિક વિદાય
=> રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ જજની વિદાયમાં વકીલોએ કરી પુષ્પવર્ષા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના એડિશનલ સેશન્સ જજ વી.કે. ભટ્ટની અન્યત્ર બદલી થતા રાજકોટ શહેરના ક્લેઇમ બાર દ્વારા 1 અત્યંત અભૂતપૂર્વ અને ઐતિહાસિક વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. રાજકોટના ન્યાયતંત્ર અને વકીલાત આલમના ઇતિહાસમાં આ પ્રથમ એવી ઘટના હતી કે જ્યાં કોઈ જજની વિદાય વેળાએ કોર્ટના પરિસરથી લઈને ગેઈટ સુધી વકીલો દ્વારા પુષ્પોની વર્ષા કરવામાં આવી હોય. આ સન્માનમાં રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશ મારુએ વી.કે. ભટ્ટના વ્યક્તિત્વનું વર્ણન કરી તેમને 'રોલ મોડલ ફોર જસ્ટિસ' તરીકેનું બિરુદ આપ્યું હતું.
તેમણે અત્યાર સુધીમાં 4400 કેસોનો ઝડપી નિકાલ કરનાર જજ ભટ્ટની કામગીરી અને કેસો ફેસલ કરવાની પદ્ધતિની છણાવટ કરી હતી. નિકુંજ શુક્લાએ જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન જુનિયર વકીલોને ખૂબ જ પ્રોત્સાહન મળ્યું છે. રાજકોટના પ્રિન્સિપાલ એન્ડ ડિસ્ટ્રિક્ટ જજ જે.આર. શાહે પણ ભટ્ટ દ્વારા 4400 કેસોના ઝડપી નિકાલની કામગીરીને બિરદાવી હતી અને જણાવ્યું હતું કે તેમની બદલી થતાં રાજકોટને 1 મોટી ખોટ પડશે. પોતાના વિદાય સમારંભમાં વી.કે. ભટ્ટ એકદમ ભાવવિભોર થઈ ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, પોતે જજ બન્યા તે પહેલા 1 વકીલ તરીકે સમાજની પરિસ્થિતિ જોયેલ છે અને જજમેન્ટ આપતી વખતે સમાજની પરિસ્થિતિનો વિચાર કરી માનવતાવાદી અભિગમ અપનાવીને લોકોને ન્યાય આપવાનું કાર્ય કર્યું છે. ચાર્જ છોડવાના આગલા
દિવસે પણ તેમણે ઘણા કેસોમાં જજમેન્ટ આપી દીધા હતા અને 1 પણ કેસ જજમેન્ટ માટે પેન્ડિંગ રાખ્યો ન હતો.
આખું ન્યાયતંત્ર વિદાય આપવા ઉમટી પડ્યું
ક્લેઇમ બારના પૂર્વ પ્રમુખ રાજેશ મહેતા, પંકજ સોઢા, સુનિલ મોઢા અને અન્ય અગ્રણી વકીલો (ભગવત માકડીયા, મકસૂદ પરમાર, મીરા ગોહિલ વગેરે) ની ઉપસ્થિતિમાં આ સન્માન અપાયું હતું. રાજકોટ બારના ઇતિહાસમાં કોઈ જજને સન્માન ન મળેલ હોય, તેટલું ઐતિહાસિક સન્માન વી.કે. ભટ્ટને અપાયું હતું. ડિસ્ટ્રિક્ટ જજ સહિતના તમામ ન્યાયાધીશો પણ ભટ્ટને તેમની કાર સુધી ઔપચારિક વિદાય આપવા માટે સાથે આવ્યા હતા. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ પટેલે હાજર ન હોવા છતાં આ સમારંભને સફળ બનાવવા પ્રયત્નો કર્યા હતા.