Loading Please Wait !!!
સાતમાં મહિને ફિટનેસ રેસ પૂરી કરી

 

  • છત્રીસ વર્ષીય જેનિફરે સૌને ચોંકાવી દીધા

  • પાંચ મહિનાના ગર્ભવતી હોવા છતાં જાપાનમાં ભાગ લીધો

  • નેગેટિવ કોમેન્ટ્સ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો

સિટી ન્યુઝ @ મુંબઈ

હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક ભારતીય મહિલાની ફિટનેસ અને ઉત્સાહની ખૂબ ચર્ચા થઈ રહી છે. 37 વર્ષીય ફિટનેસ ઉત્સાહી જેનિફરે પોતાનાં 7મા મહિનાની ગર્ભાવસ્થા દરમિયાન મુંબઈમાં આયોજિત અત્યંત કઠિન ગણાતી 'હાયરોક્સ' ફિટનેસ રેસ સફળતાપૂર્વક પૂરી કરીને સૌને ચોંકાવી દીધા છે. હાયરોક્સ એ એક એવી અઘરી રેસ છે જેમાં 8 કિલોમીટર દોડવાની સાથે વજન ઊંચકવું, સ્લેજ ધકેલવી અને બર્પીઝ જેવી ભારે કસરતો કરવાની હોય છે. ખાસ વાત એ છે કે મુંબઈ પહેલાં જ્યારે તેઓ 5 મહિનાના ગર્ભવતી હતા, ત્યારે તેમણે જાપાનમાં પણ આ રેસ પૂરી કરી હતી.

કોલકાતામાં જન્મેલી અને હાલ ચીનના શાંઘાઈમાં ફિટનેસ સેન્ટર ચલાવતી જેનિફર છેલ્લાં 15 વર્ષથી નિયમિત કસરત અને ફિટનેસ લાઇફસ્ટાઇલ જીવે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્રેગ્નન્સીના સમાચાર મળ્યાં બાદ પણ તેમણે રેસિંગ છોડવાનું યોગ્ય ન માન્યું, કારણ કે તેઓ વર્ષોથી આ ટ્રેનિંગ કરી રહ્યાં હતાં. જોકે, તેમણે પોતાનાં ડોક્ટરની સલાહ મુજબ કસરતની તીવ્રતા અને વજનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો અને ભારે સ્પ્રિન્ટ્સ કે હાઇ-ઇન્ટેન્સિટી વર્કઆઉટ બંધ કરીને હળવી અને સુરક્ષિત રીતે ટ્રેનિંગ ચાલુ રાખી હતી.

જેનિફરનો આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. ઘણા લોકોએ તેમની અદ્ભુત સહનશક્તિ અને ફિટનેસના ખુલ્લા દિલથી વખાણ કર્યા, તો બીજી તરફ અનેક લોકોએ તેમને ટ્રોલ કરતાં એવા આરોપો લગાવ્યાં કે તેઓ પોતાના બાળકનો જીવ જોખમમાં મૂકી રહ્યાં છે. નેગેટિવ કોમેન્ટ્સ અને ધમકીઓનો સામનો કરવા છતાં જેનિફરે જણાવ્યું કે ભારતીય સમાજમાં ગર્ભવતી મહિલાઓને ફક્ત આરામ કરવાની અને કશું જ ન કરવાની રૂઢિચુસ્ત સલાહ આપવામાં આવે છે, જે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક નથી.

આ અંગે તબીબી નિષ્ણાતો અને ગાયનેકોલોજિસ્ટનું પણ સ્પષ્ટ માનવું છે કે જે મહિલાઓ પ્રેગ્નન્સી પહેલાંથી જ નિયમિત કસરત કે રનિંગ કરતી હોય, તેઓ ડોક્ટરની દેખરેખ હેઠળ પોતાની ક્ષમતા મુજબ તેને ચાલુ રાખી શકે છે. યોગ્ય ફિટનેસ અને વ્યાયામથી ગર્ભવતી મહિલાઓનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સારું રહે છે. જોકે, સામાન્ય મહિલાઓએ ડોક્ટરની યોગ્ય સલાહ અને અનુભવી ટ્રેનર વિના ક્યારેય આવી કઠિન અને જોખમી રેસમાં ભાગ ન લેવો જોઈએ.

મહિલાઓની શારીરિક ક્ષમતા અને માનસિક દ્રઢતા રૂઢિગત બંધનોને તોડી રહી છે. યોગ્ય માર્ગદર્શન અને તબીબી દેખરેખ હેઠળ કરાયેલા આવા સાહસો મહિલાઓની આત્મનિર્ભરતા અને મજબૂતીની સાક્ષી પૂરે છે, જે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે અત્યંત જરૂરી છે.

ગર્ભાવસ્થા અને ફિટનેસના નવા આયામો

સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યેની જાગૃતિ ગર્ભાવસ્થાના સમયમાં પણ યોગ્ય માર્ગદર્શન સાથે જાળવી શકાય છે. તબીબી સલાહ અને સંયમથી કરેલા વ્યાયામ શારીરિક ક્ષમતાને વધારે છે.