Loading Please Wait !!!
એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓનો ડંકો વાગ્યો

 

  • 37-34 થી ઈરાનને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

  • એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીનો ચોથો મેડલ મેળવ્યો

  • શુરુચિ અને કમલજીતે શૂટિંગમાં અપાવ્યો શાનદાર ગોલ્ડ

સિટી ન્યુઝ @ નાગોયા

નાગોયા ખાતે ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026 ના સાતમા દિવસે ભારતીય મહિલા કબડ્ડી ટીમે અત્યંત રોમાંચક મુકાબલામાં ઈરાનની ટીમને 37-34 ના સ્કોરથી હરાવીને દેશ માટે ગૌરવવંતો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એશિયન ગેમ્સના ઇતિહાસમાં મહિલા કબડ્ડી ક્ષેત્રે ભારતનો આ ચોથો મેડલ છે, જ્યારે ચાલુ ગેમ્સમાં આ ભારતનો ત્રીજો સુવર્ણ પદક છે.

આ મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરીને શરૂઆતથી જ પોતાની પકડ મજબૂત બનાવી હતી અને અંતિમ ક્ષણોમાં ઉત્કૃષ્ટ રમત રમીને વિજય પોતાના નામે કર્યો હતો. આ ભવ્ય જીતથી સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે અને દીકરીઓની આ સિદ્ધિ પર રમતગમત જગતમાંથી અભિનંદનની વર્ષા થઈ રહી છે.

સાતમા દિવસે ભારતીય ખેલાડીઓ એથ્લેટિક્સ, શૂટિંગ, કબડ્ડી, હોકી, ફેન્સિંગ, બોક્સિંગ, સ્ક્વોશ, તીરંદાજી, સેલિંગ, સર્ફિંગ અને બેડમિન્ટન જેવી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ છઠ્ઠા દિવસે પણ ભારતે શાનદાર દેખાવ કરતા કુલ 6 મેડલ પોતાના નામે કર્યા હતા, જેમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

શૂટિંગ સ્પર્ધામાં શુરુચિ સિંહ અને કમલજીતની જોડીએ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતને સુવર્ણ પદક અપાવ્યો હતો. આ ઉપરાંત સિલ્વર મેડલની વાત કરીએ તો મેન્સ 50 મીટર રાઇફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટ અને એથ્લેટિક્સમાં ગુલવીર સિંહે ઉત્તમ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું હતું.

બ્રોન્ઝ મેડલ વિજેતાઓમાં મનપ્રીત કૌર (મહિલા શૉટ પુટ), બરાનિકા એલંગોવન (મહિલા પોલ વોલ્ટ) અને દીયા ચિતાલે-માનુષ શાહની જોડીએ (ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સ) ઉત્તમ દેખાવ કર્યો હતો. ભારતીય ખેલાડીઓની આ નિરંતર સફળતા દેશની વધતી જતી રમતગમત ક્ષમતા અને દીકરીઓની અદ્ભુત પ્રતિભાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

રમતગમત ક્ષેત્રે ભારતની ભવ્ય સિદ્ધિઓ

આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓનું આક્રમક અને શિસ્તબદ્ધ પ્રદર્શન દેશના યુવાનો માટે પ્રેરણારૂપ છે. કઠિન પરિશ્રમ અને આત્મવિશ્વાસના બળે આપણા ખેલાડીઓ વિશ્વભરમાં ત્રિરંગો લહેરાવી રહ્યા છે, જે રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ છે.