Loading Please Wait !!!
ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ: કેન્સર સામે લડતી 'સ્માર્ટ દવા' વિકસાવી

 

  • કીમોથેરાપીની જેમ સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર કેન્સર સેલ્સનો નાશ કરશે

  • કેન્સર કોષોમાં પ્રવેશતાં જ સક્રિય થઈ તેમને જીવંત રાખતા પ્રોટીનને બ્લોક કરશે

  • ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર કોષો સામે શરૂઆતી ટ્રાયલમાં અત્યંત સકારાત્મક પરિણામો મળ્યા

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

કેન્સરની પરંપરાગત સારવારમાં કીમોથેરાપી અત્યંત મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ તેની સૌથી મોટી મર્યાદા એ છે કે તે કેન્સરગ્રસ્ત કોષોની સાથે શરીરના સ્વસ્થ કોષોને પણ મોટું નુકસાન પહોંચાડે છે. આ કારણે દર્દીઓને વાળ ખરવા, અતિશય નબળાઈ, ઉલટી અને રોગપ્રતિકારક શક્તિ ઘટવા જેવી ગંભીર આડઅસરો (સાઇડ ઇફેક્ટ્સ) ભોગવવી પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ભારતીય વૈજ્ઞાનિકોએ એક અત્યાધુનિક 'સ્માર્ટ દવા' RK-251 વિકસાવી છે, જે માત્ર કેન્સર સેલ્સને જ લક્ષ્ય બનાવીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે.

ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી (IASST) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટીના સંશોધકો દ્વારા આ ક્રાંતિકારી દવા વિકસાવવામાં આવી છે. આ સંશોધનનું નેતૃત્વ IASST ના ડૉ. અસીસ બાલા અને IIT ગુવાહાટીના ડૉ. કે.પી. ભાબક દ્વારા કરવામાં આવ્યું છે. સામાન્ય કોષોની સરખામણીએ કેન્સરના કોષોમાં અમુક ચોક્કસ પ્રકારના હાનિકારક મોલિક્યુલ્સનું પ્રમાણ વધુ હોય છે, અને RK-251 દવા આ જ લાક્ષણિકતાનો ઉપયોગ કરે છે.

આ દવા શરીરમાં દાખલ થયા પછી જ્યાં સુધી કેન્સર સેલની અંદર ન પહોંચે ત્યાં સુધી નિષ્ક્રિય રહે છે. કેન્સર કોષની અંદર પહોંચતા જ ત્યાં રહેલા વિશિષ્ટ મોલિક્યુલ્સ દવાને સક્રિય કરી દે છે. સક્રિય થતાંની સાથે જ તેમાંથી કેન્સર વિરોધી શક્તિશાળી તત્વ છૂટું પડે છે, જે કેન્સર સેલ્સને જીવંત રાખવા અને ઉપચાર સામે રક્ષણ આપતા ચોક્કસ પ્રોટીનને સંપૂર્ણપણે બ્લોક કરી દે છે.

શરૂઆતી પ્રી-ક્લિનિકલ પરીક્ષણમાં વૈજ્ઞાનિકોએ ઝેબ્રાફિશના ભ્રૂણ પર આ દવાનું સફળ પરીક્ષણ કર્યું છે. ખાસ કરીને સૌથી પડકારજનક ગણાતા આક્રમક 'ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર' સામે RK-251 દવાએ મજબૂત અસરકારકતા દર્શાવી છે, જ્યારે સ્વસ્થ કોષો પર તેની નકારાત્મક અસર નહિવત જોવા મળી છે.

ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સરમાં ટાર્ગેટેડ થેરાપીના વિકલ્પો અત્યંત મર્યાદિત હોવાથી આ શોધ કેન્સર સારવાર ક્ષેત્રે મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે. હાલ આ દવા પ્રી-ક્લિનિકલ તબક્કામાં છે અને માનવ ક્લિનિકલ ટ્રાયલ્સ સફળ રહ્યા બાદ તે પરંપરાગત કીમોથેરાપીના દર્દનાક વિકલ્પ તરીકે ઉપલબ્ધ બની શકશે.

કેન્સર સામે ભારતની નવી સ્માર્ટ દવા

IIT ગુવાહાટી અને IASST ના વૈજ્ઞાનિકોએ 'RK-251' નામની નવી સ્માર્ટ પ્રોડ્રગ વિકસાવી છે. આ દવા સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના માત્ર કેન્સર સેલ્સની અંદર જઈને સક્રિય થાય છે. ટ્રિપલ-નેગેટિવ બ્રેસ્ટ કેન્સર સામે આ દવાનું પ્રારંભિક પરીક્ષણ સફળ રહ્યું છે, જે ભવિષ્યમાં કીમોથેરાપીની ગંભીર સાઇડ ઇફેક્ટ્સમાંથી મુક્તિ અપાવી શકે છે.