Loading Please Wait !!!
ભાવનગરમાં આતંકી નર્સરી? સિદસરમાંથી ગેરકાયદે મદ્રેસા ઝડપાયું

  • મેગા કોમ્બિંગમાં મૌલાનાની અટકાયત, કટ્ટરપંથી સાહિત્ય અને પુસ્તકો જપ્ત કરાયા.
  • 2 વર્ષથી ચાલતા કટ્ટરતાના પાઠશાળા પર તવાઈ, 10થી વધુ બાળકોના બ્રેનવોશનો પ્રયાસ.
  • બનાસકાંઠાના મૌલાનાની કરતૂત, હાથે લખેલા વાંધાજનક પુસ્તકો મળતા પોલીસ એક્શનમાં.

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 25 વારિયા મકાનોમાં ચાલતું એક ગેરકાયદે મદ્રેસા ઝડપાઈ ગયું છે. વહીવટી તંત્રના સંયુક્ત મેગા કોમ્બિંગ દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો છે. પોલીસે તાત્કાલિક એક્શન લઈ મદ્રેસા ચલાવનાર મૌલાનાની અટકાયત કરી છે અને સમગ્ર મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ભાવનગરના સિદસર વિસ્તારમાં આજે ગુજરાત હાઉસીંગ બોર્ડ, પોલીસ વિભાગ, પીજીવીસીએલ, આરોગ્ય વિભાગ અને અન્ય વહીવટી તંત્ર દ્વારા એક મોટું સંયુક્ત મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી વિભાગોની આ સઘન તપાસ દરમિયાન એક મકાનમાં ગેરકાયદે મદ્રેસા ચાલતું હોવાનું સામે આવ્યું હતું. આ ચોંકાવનારી વિગતો મળતા જ પોલીસ વિભાગ તરત જ એલર્ટ થઈ ગયો હતો અને ઘટનાસ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ શરૂ કરી હતી.

ભાવનગર જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન મદ્રેસા ચલાવતા મૌલાના મહમદસફિક અબ્બાસભાઈ મરેડીયાને ઝડપી લેવાયો છે. મૂળ બનાસકાંઠાનો રહેવાસી આ મૌલાના કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે. પોલીસે તેના કબજામાંથી કટ્ટરપંથી વિચારધારા ધરાવતા અને તેના પોતાના હાથે લખેલા કેટલાક વાંધાજનક પુસ્તકો તેમજ અન્ય સાહિત્ય જપ્ત કર્યું છે. મૌલાનાને વરતેજ પોલીસ મથક ખાતે લઈ જઈ સઘન પૂછપરછ શરૂ કરાઈ છે.

પોલીસની આકરી પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે મૌલાનાએ ભરૂચમાં પોતાનો અભ્યાસ કર્યો હતો. તે છેલ્લા 1.5 થી 2 વર્ષથી ભાવનગરના સિદસર સ્થિત આ ગેરકાયદે મદ્રેસામાં રહીને મીર પરિવારના 10 થી વધુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે મૌલાના મીર પરિવારને આર્થિક સપોર્ટ પણ કરી રહ્યો હતો. આ તમામ બાબતો બહાર આવતા પોલીસે વાંધાજનક પુસ્તકોના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ વધારી છે.

હાલમાં પોલીસ દ્વારા મૌલાનાની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગેરકાયદે મદ્રેસા ચલાવવા માટે મૌલાનાને આર્થિક ફંડિંગ કોણ પૂરું પાડતું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત, મૌલાના અન્ય કોઈ ગેરકાયદેસર કે રાષ્ટ્રવિરોધી બાબતમાં સંકળાયેલો છે કે કેમ તે દિશામાં પણ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગામી દિવસોમાં આ મામલે અનેક મોટા ખુલાસા થવાની પૂરી શક્યતા છે.

ભાવનગરમાં ઝડપાયેલા ગેરકાયદે મદ્રેસાથી તંત્રમાં મોટો ખળભળાટ

ભાવનગરના સિદસર વિસ્તારમાં મેગા કોમ્બિંગ દરમિયાન ગેરકાયદે મદ્રેસા અને કટ્ટરપંથી પુસ્તકો મળી આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. છેલ્લા 2 વર્ષથી અહીં નાના બાળકોના મગજમાં કટ્ટરતાનું ઝેર ઘોળવામાં આવતું હોવાની પ્રબળ આશંકા છે. મૌલાના પાસે આર્થિક ફંડ ક્યાંથી આવતું હતું તે એક મોટો સવાલ છે. પોલીસની સઘન તપાસમાં અન્ય કોઈ મોટા નેટવર્કના તાર જોડાયેલા છે કે કેમ તેનો પર્દાફાશ થશે.