વડોદરામાં IPL સટ્ટાબજાર પર પોલીસનો સપાટો: ગોડાઉનમાં ચાલતું નેટવર્ક ઝડપાયું
-
ગુજરાત-પંજાબની મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડતા 7 શખ્સો જેલ ભેગા, 4.25 લાખનો મુદ્દામાલ જપ્ત
-
મોબાઈલ એપથી ક્રિકેટ સટ્ટો રમાડતો કમલેશ પરમાર ગેંગ સાથે ઝડપાયો, ચેતન ભાંજુ વોન્ટેડ
- ટીવી પર લાઈવ મેચ જોઈ વેબસાઈટ મારફતે રમાતો હતો જુગાર, વાહનો અને રોકડ કબજે
વડોદરા | સિટી ન્યૂઝ : વડોદરા શહેરમાં IPL ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા અને રમાડતા સાત શખ્સોને એલ.સી.બી. ઝોન-3 ની ટીમે દરોડો પાડીને ઝડપી પાડ્યા છે. ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની રસાકસી ભરી મેચ દરમિયાન મોબાઈલ એપ્લિકેશન અને વેબસાઈટ મારફતે સટ્ટો રમાડતા આ ટોળકી પાસેથી પોલીસે કુલ 4.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.
વિગતવાર માહિતી મુજબ, એલ.સી.બી. ઝોન-3 ની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આનંદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉન નંબર-33માં કમલેશ વિનોદભાઈ પરમાર બહારના લોકોને બોલાવીને સટ્ટો રમાડી રહ્યો છે. આરોપીઓ ટીવી પર લાઈવ મેચ જોઈને મોબાઈલ એપના માધ્યમથી હાર-જીતનો જુગાર રમાડતા હતા. બાતમીના આધારે પોલીસે ગોડાઉન પર ઓચિંતો દરોડો પાડતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી, જોકે પોલીસે કોર્ડન કરીને સાત શખ્સોને રંગેહાથ પકડી લીધા હતા.
પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર કમલેશ પરમાર ઉપરાંત પિયુષ પંચાલ, નાનુ ચુનારા, સુમિત સબાગવાની, ગિતેશ ઉર્ફે રોકી ચોથવાણી, પુર્વેશ પટેલ અને પ્રિયાંક પટેલનો સમાવેશ થાય છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં જુગાર અધિનિયમની કલમ 4 અને 5 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ચેતન કહાર ઉર્ફે ભાંજુ નામના અન્ય એક આરોપીનું નામ પણ ખુલ્યું છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોલીસે ઘટનાસ્થળેથી સટ્ટાના સાધનો તરીકે ઉપયોગમાં લેવાતા 7 મોબાઈલ ફોન, એક ટીવી, રિમોટ, 25,840 રૂપિયાની રોકડ રકમ અને આરોપીઓના 4 વાહનો મળીને કુલ 4,25,840 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા અને તેમના સંપર્કો અન્ય કયા સટ્ટાખોરો સાથે છે તે દિશામાં પોલીસ અત્યારે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
IPL ની સીઝન શરૂ થતાની સાથે જ વડોદરામાં સટ્ટાખોરો સક્રિય થયા હોવાની આશંકા વચ્ચે પોલીસની આ કાર્યવાહીથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ આગામી દિવસોમાં પણ ક્રિકેટ સટ્ટા પર લગામ કસવા માટે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. પકડાયેલા તમામ આરોપીઓ વડોદરાના જ અલગ-અલગ વિસ્તારોના રહેવાસી છે અને તેઓ લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા હોવાની શક્યતા છે.