ઈન્ડિયા બ્લોક દ્વારા આજે ‘સડક પર સંસદ’ કાર્યક્રમ!
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર મહાભિયોગ!
રાહુલ ગાંધીની આગેવાનીમાં ‘વોટ બચાવો, દેશ બચાવો’ રેલી!
વેપારીઓએ રેલી મુલતવી રાખવા વિપક્ષી નેતાઓને કરી અપીલ!
સિટી ન્યુઝ @ નવી દિલ્હી : દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસ્થાને મળેલી વિપક્ષી નેતાઓની બેઠક બાદ આજે ‘સડક પર સંસદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જાહેર મહાભિયોગ લાવવાની જાહેરાત કરવામાં આવી છે.
શુક્રવારે વરસાદના કારણે રદ થયેલો આ કાર્યક્રમ હવે શનિવારે યોજાઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત સપા, ટીએમસી, જેએમએમ સહિતના અનેક વિપક્ષી પક્ષોના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે.
વિપક્ષ દ્વારા રવિવારે કનોટ પ્લેસથી રામલીલા મેદાન સુધી ‘વોટ બચાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત વિશાળ માર્ચ કાઢવાનું એલાન કરવામાં આવ્યું છે અને તેમાં નાગરિકોને જોડાવા અપીલ કરાઈ છે.
બીજી તરફ, દિલ્હીના અગ્રણી વેપારી સંગઠનોએ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ, મમતા બેનર્જી અને ઉદ્ધવ ઠાકરે સહિતના તમામ વિપક્ષી નેતાઓને પત્ર લખીને 1 નવેમ્બરની રેલી મુલતવી રાખવાની અપીલ કરી છે.
વેપારીઓનું કેવું છે કે તહેવારોના આ સિઝનમાં રાજકીય રેલીઓને કારણે દિલ્હીના 20 મોટા જથ્થાબંધ અને રિટેલ બજારોમાં થતા અંદાજે 10 થી 12 હજાર કરોડ રૂપિયાના દૈનિક વેપારને ભારે અસર પડી શકે છે.
રાજકીય આંદોલનો અને તહેવારોની મોસમમાં વેપારનું અર્થશાસ્ત્ર
લોકશાહીમાં વિરોધ પ્રદર્શન કરવાનો અને સરકાર સામે અવાજ ઉઠાવવાનો રાજકીય પક્ષોનો અધિકાર છે, પરંતુ જ્યારે આવા આંદોલનો અથવા વિશાળ રેલીઓ તહેવારોની મોસમમાં યોજાય છે, ત્યારે તેની સીધી અસર સામાન્ય વેપારીઓ અને અર્થતંત્ર પર પડતી હોય છે. દિલ્હીના બજારોમાં જ્યાં દરરોજ હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર થતું હોય, ત્યાં રાજકીય રેલીઓથી ટ્રાફિક અને ગ્રાહકોની અવરજવરને કારણે વ્યાપારને ફટકો પડવો સ્વાભાવિક છે. વેપારીઓ દ્વારા રેલી મુલતવી રાખવાની અપીલ એ દર્શાવે છે કે રાજકીય સંઘર્ષો અને આર્થિક ગતિવિધિઓ વચ્ચે એક નાજુક સંતુલન જાળવવું કેટલું આવશ્યક છે.