Loading Please Wait !!!
આંતરરાષ્ટ્રીય બજારમાં લિક્વિડ નેચરલ ગેસના ભાવ વધ્યા!

એલએનજીના ભાવ વધીને બત્રીસ ડોલર પ્રતિ એમએમબીટીયુ!
ભારતની ગેસ આયાત પર મોટો આર્થિક ફટકો!
ક્રુડતેલ બાદ હવે ગેસના વધતા ભાવે ચિંતા વધારી!

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

વૈશ્વિક સ્તરે ક્રુડતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તે વચ્ચે હવે લિક્વિડ નેચરલ ગેસ (એલએનજી)ના આંતરરાષ્ટ્રીય ભાવમાં 6% જેટલો મોટો વધારો નોંધાતા ભારતની ગેસ આયાત પર ગંભીર આર્થિક ફટકો પડવાના સંકેતો મળ્યા છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં એલએનજીના ભાવ વધીને 32 ડોલર પ્રતિ મિલિયન બ્રિટીશ થર્મલ યુનિટ (MMBTU) સુધી પહોંચી ગયા છે, અને મધ્ય પૂર્વમાંથી સપ્લાય વારંવાર ખોરડાવાને કારણે શિપિંગ તથા વીમા પ્રીમિયમમાં પણ જબરદસ્ત વધારો થયો છે.

યુરોપમાં શિયાળાના આગમન સમયે ગેસનો સ્ટોક ઘટીને 75% જેટલો જ રહી ગયો છે, જે ગત વર્ષે આ સમયે 83% હતો, જેના કારણે વૈશ્વિક બજાર ભારે દબાણ હેઠળ છે અને ભારત જેવા દેશો માટે આ ઊંચા ભાવે ગેસ આયાત કરવાનું આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યું છે.

ઘરઆંગણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પહેલેથી જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં અંડર-રિકવરીની ખોટ સહન કરી રહી છે, ત્યારે ગેસ ડિસ્ટ્રિબ્યુટર કંપનીઓ વાહનો માટેના સીએનજી અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત વધારો કરી રહી છે.

જોકે, ઘરેલુ સબસીડાઈઝ્ડ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર છે અને પાઈપ દ્વારા પૂરા પડતા ગેસમાં સ્થાનિક ઉત્પાદનને કારણે રાહત છે, પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે આગામી સમયમાં મોંઘવારીનું જોખમ વધુ ઘેરૂ બન્યું છે.

વૈશ્વિક ઉર્જા બજાર અને ભારતીય અર્થવ્યવસ્થા પર દબાણ

આજના વૈશ્વિકરણના યુગમાં કોઈપણ દેશ પોતાની ઉર્જા જરૂરિયાતો માટે સંપૂર્ણપણે આત્મનિર્ભર હોઈ શકતો નથી, અને આંતરરાષ્ટ્રીય બજારમાં થતી ઉથલપાથલની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર પર પડતી હોય છે. ક્રુડતેલ બાદ હવે એલએનજીના ભાવમાં થયેલો તોતિંગ વધારો દર્શાવે છે કે ભારત જેવા વિકાસશીલ દેશો માટે આયાતી ઉર્જાનું બિલ ચૂકવવું કેટલું મોટું આર્થિક જોખમ બની શકે છે. જ્યારે શિપિંગ પ્રીમિયમ અને સપ્લાય ચેઈન ખોરવાય છે, ત્યારે તેનો આખરી બોજ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર જ પડે છે. સરકાર અને ઉદ્યોગ જગતે આવા વૈશ્વિક સંકટો સામે દીર્ઘકાલીન રણનીતિ ઘડવી અત્યંત આવશ્યક છે.