કાલાવડ હાઈવે પર કાળમુખી કારનો કહેર: શેરડીનો રસ પીતા દંપતી અને કિશોરને હવામાં ફંગોળ્યા, બે ના કરુણ મોત
-
ઓવરટેકની લ્હાયમાં કારચાલકે કાબૂ ગુમાવ્યો; ભયાનક અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે, ચાલક ફરાર
-
દવા લઈને પરત ફરતા દંપતી પર કાળ ત્રાટક્યો; ૧૩ વર્ષના નિર્દોષ અયાનનું પણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત
-
મૃતક મહિલાના પુત્રની પોલીસમાં ફરિયાદ; પત્ની-પુત્રી કારમાં હોવા છતાં ચાલકે ગફલતભરી રીતે હંકાર્યું વાહન
જામનગર-કાલાવડ હાઈવે પર આવેલા નવા માર્કેટયાર્ડ નજીક ગઈકાલે બપોરે એક હચમચાવી દેનારી હિટ-એન્ડ-રનની ઘટના સામે આવી છે. બસને ઓવરટેક કરવાની ઉતાવળમાં એક બેદરકાર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી જ રોડની સાઈડમાં આવેલા શેરડીના રસના ચિચોડામાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં એક મહિલા અને ૧૩ વર્ષના કિશોરનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સીસીટીવીમાં કેદ થઈ ભયાનકતા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ આજે સામે આવ્યા છે, જે જોતા રૂંવાડા ઉભા થઈ જાય તેમ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે જામનગર તરફથી આવતી કારે બસને ઓવરટેક કરવા માટે કાચા રસ્તા પર વાહન ઉતારી દીધું હતું. કારની ઝડપ એટલી પ્રચંડ હતી કે ત્યાં ઊભેલા લોકો હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં કાલાવડની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા કીર્તિબેન હરિભાઈ ચાનપા અને ૧૩ વર્ષીય અયાન અશરફભાઈ ઠાસરિયાનું મોત થયું છે.
પરિવારમાં માતમ અને તંત્ર સામે રોષ મૃતક કીર્તિબેન અને તેમના પતિ જામનગર દવા લઈને પરત ફરી રહ્યા હતા અને પુત્રની રાહ જોઈને યાર્ડ પાસે ઊભા હતા, ત્યારે જ કાળમુખી કાર ત્રાટકી હતી. ચોંકાવનારી વાત એ છે કે કારચાલકની સાથે તેની પત્ની અને પુત્રી પણ કારમાં સવાર હતા, જેમને પણ ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાઈવે પર ગેરકાયદે કેબિનો અને દબાણોને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, જે આવા અકસ્માતોનું મુખ્ય કારણ બને છે. કાલાવડ ટાઉન પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી આરોપી ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.