જામનગરમાં સોશિયલ મીડિયા પર હનીટ્રેપ રચતી ગેંગ ઝડપાઈ
- ઇન્સ્ટાગ્રામ પર મીઠી વાતો કરી પૂજા એકાંતમાં બોલાવતી; વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાખો પડાવતા
- ભોગ બનનારને બલેનો કારમાં બળજબરીથી બેસાડી છરી બતાવી કર્યું અપહરણ; દાગીના અને રોકડની લૂંટ
- ફોટા-વીડિયો પાડી પરિવારમાં વાયરલ કરવાની ધમકી આપતા; બદનામીના ડરે લોકો પોલીસ પાસે જતા અટકતા
સિટી ન્યુઝ @ જામનગર
આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનોને ટાર્ગેટ કરતી એક અત્યંત શાતિર અને સંગઠિત 'હનીટ્રેપ' ગેંગનો જામનગર પોલીસે પર્દાફાશ કર્યો છે. જામનગર સીટી સી ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સંઘપ્રદેશ દમણ ખાતેથી સ્થાનિક પોલીસની મદદ લઈને આ ગેંગના 4 સક્રિય સભ્યોને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાયેલા અત્યાધુનિક મોબાઈલ ફોન, વાહનો અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ભયાનક ઘટનાની વિગત મુજબ, જામનગરના પંચેશ્વર ટાવર પાસે આવેલા લક્ષ્મી ભવનમાં રહેતા એક ફરિયાદી યુવકને પૂજા નામની યુવતીએ સોશિયલ મીડિયા અને મોબાઈલ મેસેજ મારફતે પોતાની પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને ત્યારબાદ મીઠી-મીઠી વાતો કરીને એકાંતમાં મળવા માટે બોલાવ્યો હતો. ફરિયાદી જ્યારે પોતાના હોન્ડા બાઈક પર નિયત જગ્યાએ પહોંચ્યો, ત્યારે પૂજા તેની સાથે બાઈક પર બેસી ગઈ હતી. તે જ સમયે પૂર્વ આયોજિત કાવતરા મુજબ ગેંગનો મુખ્ય સૂત્રધાર યશ અને તેના અન્ય સાગરીતો ત્યાં ધસી આવ્યા હતા અને ફરિયાદીને બળજબરીપૂર્વક પોતાની બલેનો કારમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા.
અપહરણ કર્યા બાદ આરોપીઓ ફરિયાદીને કારમાં અલગ-અલગ નિર્જન અને અવાવરુ જગ્યાએ ફેરવતા રહ્યા હતા અને ગળા પર છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ શખ્સોએ ફરિયાદીના ગળામાંથી ચાંદીનો ચેન, હાથમાંથી ચાંદીની લકી અને ખિસ્સામાંથી રોકડા ₹1,400 પડાવી લીધા હતા. આ ટોળકીની મુખ્ય મોડસ ઓપરેન્ડી એ હતી કે યુવતી સાથે એકાંતમાં બેઠેલા યુવકના ફોટા અને વીડિયો શૂટ કરી લેતા હતા અને ત્યારબાદ આ વીડિયો સોસાયટી કે પરિવારમાં વાયરલ કરવાની ધમકી આપીને લાખો રૂપિયાની ખંડણી વસૂલતા હતા. બદનામીના ડરે મોટાભાગના લોકો પોલીસ ફરિયાદ કરતા નહોતા.
પોલીસની પ્રાથમિક અને આકરી પૂછપરછમાં આ ટોળકીએ જામનગર, રાજકોટ, પોરબંદર અને મોરબી સહિતના વિસ્તારોમાં ભૂતકાળમાં આચરેલા અનેક ચોંકાવનારા ગુનાઓની કબૂલાત કરી છે. આ ગેંગ માત્ર હનીટ્રેપ જ નહીં પરંતુ મેરેજ ફ્રોડ એટલે કે ખોટા લગ્નની છેતરપિંડીના નેટવર્કમાં પણ સામેલ હતી. આરોપીઓએ અઢી-ત્રણ વર્ષ પહેલાં સાગર નામના એક વ્યક્તિ સાથે પૂજાના ખોટા લગ્ન કરાવીને તેની પાસેથી ₹2 લાખની છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત, પોરબંદરના એક મૂંગા-બહેરા અસહાય વ્યક્તિને પણ લગ્નની ખોટી લાલચ આપીને આ ટોળકીએ ₹50,000 થી ₹60,000 પડાવી લીધા હતા.
મેરેજ ફ્રોડ અને લૂંટ ચલાવતી ટોળકીની ગુનાહિત વિગતો
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગના સભ્યો અસહાય અને દિવ્યાંગ લોકોને લગ્નની લાલચ આપીને શિકાર બનાવતા હતા. સાગર નામના યુવક સાથે પૂજાના ખોટા મેરેજ કરાવી ₹2 લાખ પડાવ્યા બાદ ગેંગે પોરબંદરમાં પણ એક દિવ્યાંગને છેતર્યો હતો. જામનગર સીટી સી ડિવિઝન પોલીસે આ સફળ ઓપરેશન પાર પાડીને નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણી યુવતીઓ સાથે મિત્રતા કરતા પહેલા સાવચેત રહેવું અને જો કોઈ વ્યક્તિ આવી ગેંગનો ભોગ બન્યું હોય તો નિઃસંકોચ પોલીસનો સંપર્ક કરે, તેમનું નામ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે.