"વડોદરામાં મહિલાનો હાઈવોલ્ટેજ ડ્રામા: બોયફ્રેન્ડે રિક્ષામાંથી નીચે ફેંકતા રોડ પર સૂઈ ગઈ"
- સયાજી હોસ્પિટલ બહાર પોલીસ સાથે ઝપાઝપી - એક કલાક સુધી ટ્રાફિક જામ કર્યો
- પોલીસને વરદીનો ઘમંડ ન બતાવવા આપી ધમકી - મહિલા પોલીસકર્મી સાથે હાથાપાઈ
- રસ્તો રોકીને બસ આગળ સૂઈ ગઈ - 108 માં સારવાર માટે લાવ્યા ને હોસ્પિટલ ગજવી મૂકી
વડોદરા: વડોદરાના રાજમાર્ગો પર ગઈકાલે મોડી રાત્રે એક ફિલ્મી દ્રશ્યો જેવો હંગામો જોવા મળ્યો હતો. ઉત્તર પ્રદેશની વતની અને હાલ કેવડિયામાં રહેતી એક મહિલાએ સયાજી હોસ્પિટલની બહાર જાહેર રોડ પર ભારે હોબાળો મચાવતા પોલીસના કાફલાને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી. આ મહિલાના જણાવ્યા અનુસાર, તેના બોયફ્રેન્ડે વરણામા નજીક ચાલુ રિક્ષામાંથી તેને ધક્કો મારી નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેને ઈજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ મારફતે તેને સયાજી હોસ્પિટલ લવાઈ હતી, જ્યાં તેણે અંદર અને બહાર બંને જગ્યાએ હંગામો કર્યો હતો.
રોડ પર નીકળેલી મહિલા અચાનક ચાલુ ટ્રાફિકમાં બસની આગળ સૂઈ ગઈ હતી અને "હું મારો જીવ આપી દઈશ, મને કોઈ અડશો નહીં" તેવી બૂમો પાડવા લાગી હતી. જ્યારે 112 જનરક્ષકની ટીમ અને મહિલા પોલીસકર્મીઓ તેને સમજાવવા પહોંચ્યા, ત્યારે મહિલાએ પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ કરી હતી. મહિલાએ આક્રોશમાં કહ્યું હતું કે, "વરદીનો ઘમંડ ન બતાવશો, જ્યારે મેં 112 પર મદદ માટે ફોન કર્યો ત્યારે તમે કેમ ન આવ્યા?"
પોલીસકર્મી કનુભાઈએ જણાવ્યું હતું કે મહિલા કદાચ નશાની હાલતમાં હતી અને તેની સાથે સમજાવટના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલી આ મગજમારીને કારણે પંચમુખી હનુમાન મંદિર પાસેનો મુખ્ય રસ્તો બ્લોક થઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. આખરે સ્થાનિક લોકોની મદદથી મહિલા પોલીસકર્મીઓએ તેને ખેંચીને રસ્તાની સાઈડમાં કરી હતી અને ત્યારબાદ તેની અટકાયત કરવામાં આવી હતી.
મહિલાના બોયફ્રેન્ડ દ્વારા તેને રિક્ષામાંથી ફેંકી દેવાની ઘટના વરણામા પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાથી, રાવપુરા પોલીસે પ્રાથમિક કાર્યવાહી બાદ મહિલાને વરણામા પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે તે બોયફ્રેન્ડ કોણ હતો અને કયા સંજોગોમાં મહિલાને નીચે ફેંકી દેવામાં આવી હતી. આ હાઈવોલ્ટેજ ડ્રામાને જોવા માટે રસ્તા પર સેંકડો લોકોના ટોળા જામ્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.