Loading Please Wait !!!
સાસણના રિસોર્ટમાં 'હાઈપ્રોફાઈલ' જુગારધામ પર ત્રાટકી LCB: રાજકોટ-ગોંડલના 7 સોની વેપારીઓ ઝડપાયા!

  • ગીર પ્રાઈડ રિસોર્ટના એસી રૂમમાં જામી હતી 'તીન-પત્તી' – 13.50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
  • લક્ઝરી કાર, આઈફોન અને લાખોની રોકડ સાથે 7 શખ્સો પોલીસ સકંજામાં – મેંદરડા પોલીસમાં ગુનો નોંધાયો
  • રિસોર્ટના સંચાલકોની સંડોવણી અંગે તપાસ શરૂ – પ્રકૃતિના ખોળે કાયદાની ઐસીતૈસી કરતા વેપારીઓ જેલભેગા

સૌરાષ્ટ્રના પ્રખ્યાત પ્રવાસન સ્થળ સાસણ ગીરમાં સિંહ દર્શનના બહાને રિસોર્ટ્સના એસી રૂમમાં બેસીને જુગાર રમતા હાઈપ્રોફાઈલ શખ્સો પર જૂનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ લાલઆંખ કરી છે. સાસણના ‘ગીર પ્રાઈડ રિસોર્ટ’માં ગોંડલનો એક શખ્સ અખાડો ચલાવી રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા રાજકોટ અને ગોંડલના પ્રતિષ્ઠિત સોની વેપારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. આ કાર્યવાહીથી સાસણના રિસોર્ટ સંચાલકો અને જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

LCB ને મળેલી ખાનગી બાતમી મુજબ, ગોંડલનો વતની સંજય વડનગરા સાસણના રિસોર્ટમાં પોતાના નામે રૂમ બુક કરાવી બહારથી લોકોને બોલાવી તીન-પત્તીનો જુગાર રમાડતો હતો. પોલીસે જ્યારે રિસોર્ટના રૂમમાં એન્ટ્રી કરી ત્યારે ત્યાં સાત શખ્સો ગંજીપતા અને પ્લાસ્ટિકના ટોકન વડે હાર-જીતનો જુગાર રમતા મળી આવ્યા હતા. પકડાયેલા તમામ શખ્સો ગોંડલ અને રાજકોટના સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેમના નામ જાહેર થતા સોની બજારમાં પણ ચર્ચા જાગી છે.

પોલીસે સ્થળ પરથી ₹42,340 ની રોકડ રકમ, ₹2.10 લાખની કિંમતના 7 મોંઘાદાટ મોબાઈલ ફોન અને ₹11 લાખની કિંમતની બે લક્ઝરી ફોર-વ્હીલર કાર સહિત કુલ ₹13.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, આ શખ્સો નાલ ઉઘરાવીને વ્યવસ્થિત જુગારનો અખાડો ચલાવતા હતા. પોલીસે આરોપીઓ સામે મેંદરડા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસે સાસણ જેવા સંવેદનશીલ અને પર્યાવરણ પ્રેમી વિસ્તારમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. સ્થાનિક રહીશોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે રિસોર્ટમાં આવા તત્વોને આશ્રય કેવી રીતે મળે છે. પોલીસ હવે રિસોર્ટના માલિકો કે સંચાલકોની આમાં કોઈ ભૂમિકા છે કે કેમ તેની પણ ઊંડી તપાસ કરી રહી છે. રાજકોટના વેપારીઓનું નામ આમાં ઉછળતા શહેરના બિઝનેસ વર્તુળમાં આ ઘટના ટોક-ઓફ-ધ-ટાઉન બની છે.