ગાંધીનગર: લેબર કોલોનીના સિક્રેટ રૂમમાં ચાલતું જુગારધામ ઝડપાયું
-
રણાસણ નજીક NH-48 પર આવેલી લેબર કોલોનીમાં પોલીસે કરી છાપેમારી
-
રૂ. 6.69 લાખ રોકડા, 11 મોંઘા મોબાઈલ અને 5 લક્ઝરી કાર જપ્ત
-
નાના ચિલોડાના રાકેશ ભરવાડે બિલ્ડરો માટે બનાવી હતી હાઈટેક સુવિધા
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગર જિલ્લાના રણાસણ ગામ નજીક નેશનલ હાઈવે 48 પર આવેલી એક લેબર કોલોનીમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર ડભોડા પોલીસે સફળ દરોડો પાડી સપાટો બોલાવ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી અમદાવાદ અને ગાંધીનગરના 11 જેટલા મોટા બિલ્ડરો અને જમીન દલાલોને રંગેહાથ ઝડપી પાડી રૂ. 6.69 લાખની રોકડ રકમ, મોંઘાદાટ મોબાઈલ ફોન અને 5 લક્ઝરી ફોર-વ્હીલર વાહનો મળીને કુલ રૂ. 1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અમદાવાદના નાના ચિલોડા ખાતે રહેતા મુખ્ય સૂત્રધાર રાકેશ ભરવાડે પોલીસની નજરથી બચવા માટે રણાસણની લેબર કોલોનીના સર્વે નંબર 147 ના પ્રથમ માળે એક સિક્રેટ રૂમ તૈયાર કર્યો હતો. આ રૂમમાં પંખા, સોફા અને આરામદાયક ડબલ બેડ સહિતની હાઈટેક સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી, જ્યાં અમદાવાદ અને ગાંધીનગરના બિલ્ડરો તેમજ જમીન દલાલો આરામથી લાખો રૂપિયાની હારજીતનો ખેલ રમતા હતા.
ડભોડા પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળતાં જ્યારે પરિસર પર રેડ પાડવામાં આવી ત્યારે રાકેશ ભરવાડે દરવાજો ખોલ્યો હતો. અંદર ડબલ બેડ અને સોફા પર બેસીને પાના-પત્તાથી જુગાર રમી રહેલા તમામ જુગારીઓએ નાસભાગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હોવાથી તમામ 11 આરોપીઓ ઝડપાઈ ગયા હતા.
પોલીસે દાવ પરથી અને અંગઝડતીમાંથી કુલ રૂ. 6.69 લાખ રોકડા, રૂ. 5.42 લાખની કિંમતના 11 સ્માર્ટફોન અને રૂ. 92 લાખની કિંમતની 5 ફોર-વ્હીલર ગાડીઓ કબજે કરી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
રણાસણમાં સિક્રેટ જુગારધામ પર પોલીસનો દરોડો
ગાંધીનગરના રણાસણ નજીક લેબર કોલોનીના પ્રથમ માળે રાકેશ ભરવાડે બનાવેલા લક્ઝરી સિક્રેટ રૂમમાં ચાલતા જુગારધામ પર ડભોડા પોલીસે રેડ પાડી છે. પોલીસે સ્થળ પરથી અમદાવાદ-ગાંધીનગરના 11 બિલ્ડરો અને દલાલોને ઝડપી લઈ રોકડ, 11 મોબાઈલ અને 5 લક્ઝરી કાર સહિત કુલ ₹1.04 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.