Loading Please Wait !!!
જામનગરના દરિયાકાંઠે મરીન કમાન્ડોનો પહેરો: પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે હાઈ એલર્ટ

  • આતંકી હિલચાલ રોકવા મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ; અવાવરૂ ટાપુઓ પર સર્ચ ઓપરેશન
  • જામનગર એરફોર્સ રેન્જથી સિક્કા જેટી સુધી કમાન્ડો તૈનાત; શંકાસ્પદ નૌકાઓની સઘન તપાસ
  • ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ અને સંવેદનશીલ સ્થાપનો પર કડક નજર; રાષ્ટ્રીય સંપત્તિની સુરક્ષામાં વધારો

સિટી ન્યુઝ @ જામનગર

પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા ગંભીર યુદ્ધ જેવી સ્થિતિ અને વૈશ્વિક તણાવને ધ્યાનમાં રાખીને ભારત સરકારે દરિયાઈ સીમાઓ પર સુરક્ષાનો ઘેરો વધુ મજબૂત બનાવ્યો છે. જામનગરના સંવેદનશીલ દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને વ્યાપક સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી કોઈપણ આતંકવાદી પ્રવૃત્તિ કે દેશવિરોધી ઘૂસણખોરીને નિષ્ફળ બનાવવાનો છે.

ATS અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ DGP અમિતકુમાર વિશ્વકર્મા તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર સેક્ટરમાં આ ખાસ વ્યૂહરચના અમલી બનાવવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સના પોલીસ ઈન્સ્પેક્ટર અને કમાન્ડોની ટીમોએ જામનગર એરફોર્સ રેન્જ, સિક્કા જેટી, સોલ્ટ ગેટ અને અવાવરૂ ટાપુઓ સહિતના વિસ્તારોમાં ખૂણેખૂણાની તપાસ કરી હતી. ખાસ કરીને ખાડી વિસ્તારોમાં જ્યાં માનવ વસ્તી ઓછી છે અને અવાવરૂ જગ્યાઓ છે, ત્યાં કમાન્ડો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરીને સુરક્ષાની ખાતરી કરવામાં આવી હતી.

પેટ્રોલિંગ દરમિયાન દરિયામાં અવરજવર કરતી દરેક શંકાસ્પદ નૌકાઓ અને માછીમારી બોટોને અટકાવીને તેમાં રહેલા વ્યક્તિઓની ઓળખ ચકાસવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ પર પણ કડક નિરિક્ષણ રાખવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લાના દરિયાકાંઠા પર રિલાયન્સ અને નાયરા જેવી મોટી રિફાઇનરીઓ તેમજ એરફોર્સના મહત્વના સ્થાપનો આવેલા હોવાથી, આ વિસ્તારોની સુરક્ષા રાષ્ટ્રીય હિત માટે અત્યંત આવશ્યક છે.

સુરક્ષા નિષ્ણાતોના મતે, પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલી તણાવપૂર્ણ સ્થિતિના પડઘા ભારતની દરિયાઈ સીમા પર ન પડે તે માટે 'પ્રી-એમ્પટિવ' એટલે કે અગાઉથી જ સતર્કતા રાખવી જરૂરી છે. જામનગર પોલીસ અને મરીન કમાન્ડો દ્વારા દરિયાકાંઠાના અવાવરૂ વિસ્તારોમાં સર્ચ દરમિયાન ખાતરી કરવામાં આવી હતી કે ત્યાં કોઈ અનિચ્છનીય હિલચાલ નથી. આ કવાયત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે, જેથી દેશની સુરક્ષાને કોઈ પણ પ્રકારે આંચ ન આવે.