મેઘપરમાં પંજાબ કનેક્શન સાથે હેરોઇન રેકેટનો પર્દાફાશ: 14 ગ્રામ જથ્થા સાથે બે આરોપી ઝડપાયા
- જોગવડ પાસે ભાડાના મકાનમાં ચાલતો હતો કાળો કારોબાર; SOG ની સફળ કાર્યવાહી
- પંજાબથી લાવી ગુજરાતમાં છૂટક વેચાણનું હતું પ્લાનિંગ; એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર.
- જોગવડ ગામ પાસે પોલીસની ગુપ્ત રેડ; NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ.
સિટી ન્યૂઝ @ જામનગર: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મેઘપર (પડાણા) વિસ્તારમાં નશીલા પદાર્થોના વેપાર પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી કાર્યવાહી કરી છે. પંજાબથી હેરોઇન લાવીને અહીં છૂટક વેચાણ કરતા આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે 14.400 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે આ કેસનો મુખ્ય સૂત્રધાર ગણાતો એક આરોપી હાલ ફરાર છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગત 3 મે, 2026ના રોજ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે જોગવડ પાટિયા પાસે એક ભાડાના મકાનમાં નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસે ગલીમાં આવેલા એક મકાનમાં રેડ પાડતા ત્યાંથી પંજાબના અમૃતસરના રહેવાસી હરજીતસિંહ ગુરદીપસિંહ મજબી (38) અને અજીજ શાહ (32) ઝડપાઈ ગયા હતા. તપાસ દરમિયાન મકાનમાંથી હેરોઇનનો જથ્થો અને પેકિંગ મટીરીયલ મળી આવ્યું હતું.
પોલીસે આરોપીઓ પાસેથી અંદાજે રૂ. 2,88,000 ની કિંમતનું 14.400 ગ્રામ હેરોઇન કબજે કર્યું છે. આ ઉપરાંત બે મોબાઈલ ફોન, એક ઇલેક્ટ્રોનિક વજનકાંટો, રોકડ રકમ અને ડ્રગ્સના નાના પેકેટ બનાવવા માટે વપરાતા પ્લાસ્ટિકના ટુકડાઓ સહિત કુલ રૂ. 2,99,450 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ જથ્થો કુલવિંદરસિંહ નામના શખ્સ પાસેથી મેળવવામાં આવ્યો હતો, જે હાલ પોલીસ પકડથી દૂર છે.
આરોપીઓ પંજાબથી જથ્થો લાવીને સ્થાનિક સ્તરે મજૂરો અને અન્ય યુવાનોને નાના પેકેટ બનાવીને વેચતા હોવાની આશંકા છે. મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જામનગર પોલીસ હવે આ રેકેટના મૂળ સુધી પહોંચવા અને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પંજાબ પોલીસના પણ સંપર્કમાં હોવાનું જાણવા મળે છે. નશાના આ કાળા કારોબારને ડામવા માટે આગામી દિવસોમાં વધુ કડક તપાસ હાથ ધરવામાં આવશે.