વડોદરા પોલીસનો માનવીય ચહેરો: 'હું તારી બહેન જેવી છું, ડરવાની જરૂર નથી', કહી કેનાલમાં કૂદતી યુવતીનો જીવ બચાવ્યો
- મોતના મુખમાંથી વડોદરાની દીકરીનું રેસ્ક્યુ: છાણી કેનાલમાં યુવતીએ છલાંગ લગાવી અને ફાયર બ્રિગેડે સેકન્ડોમાં બહાર કાઢી
- વડોદરામાં ખાખીનો 'મમતાભર્યો' સાથ, આપઘાત કરવા ગયેલી યુવતીને પોલીસ કર્મીએ ગળે લગાવી
- સગાઈ તૂટવાના આઘાતમાં જીવન ટૂંકાવવાનો પ્રયાસ - વડોદરા પોલીસની સતર્કતાએ એક પરિવારનો દીવો બુઝાતો અટકાવ્યો
શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી છાણી કેનાલ પાસે ગત સાંજે એક અત્યંત કરુણ છતાં રોમાંચક ઘટના બની હતી. સગાઈ તૂટી જવાથી જિંદગીથી હારી ગયેલી એક યુવતી જ્યારે કેનાલના ઊંડા પાણીમાં છલાંગ લગાવવાની તૈયારીમાં હતી, ત્યારે વડોદરા પોલીસ અને ફાયર વિભાગના જવાનોએ 'દેવદૂત' બનીને તેનો જીવ બચાવી લીધો હતો. આ ઘટનાનો વીડિયો અને પોલીસની કામગીરીની આજે સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા થઈ રહી છે.
મૂળ આણંદની વતની અને વડોદરામાં ખાનગી નોકરી કરતી આ યુવતી છાણી કેનાલના નીચેના કિનારે ગભરાયેલી હાલતમાં ઉભી હતી. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા જ ફતેગંજ પોલીસના ASI નિલેશભાઈ કટારા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પરિસ્થિતિ ગંભીર હોવાથી તેમણે TP-13 ફાયર વિભાગને પણ સતર્ક કરી દીધું હતું.
વાતોમાં રાખીને મોતને પાછું ઠેલ્યું યુવતી સતત પાણીમાં કૂદવાની કોશિશ કરતી હતી, પરંતુ મહિલા કોન્સ્ટેબલ નીતાબેને તેને વાતોમાં પરોવી રાખી હતી જેથી ફાયરની ટીમ પહોંચી શકે. જેવી ફાયરની ટીમ આવી અને યુવતીએ છલાંગ લગાવી, કે તરત જ ફાયરના જવાનોએ ગણતરીની સેકન્ડોમાં પાણીમાં ઉતરીને તેને સુરક્ષિત રીતે બહાર કાઢી લીધી હતી. બહાર કાઢ્યા બાદ યુવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી હતી.
"તારે કોઈનાથી ડરવાની જરૂર નથી" આ કપરી પળે પોલીસનો માનવીય ચહેરો જોવા મળ્યો હતો. મહિલા કોન્સ્ટેબલ નીતાબેને યુવતીને પાણી પીવડાવી, તેને ગળે લગાવીને હિંમત આપતા કહ્યું કે, "તું શાંત થઈ જા, હું તારી બહેન જેવી જ છું. હું આવી ગઈ છું, હવે તારે કોઈનાથી ડરવાની જરૂર નથી." આ શબ્દોએ યુવતીને માનસિક ટેકો આપ્યો હતો. બાદમાં પોલીસ મથકે લાવી તેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું અને સગાઈ તૂટવી એ જીવનનો અંત નથી તેવી સમજ આપી તેના માતા-પિતાને સોંપવામાં આવી હતી.
આમ, વડોદરા પોલીસ અને ફાયર વિભાગની સમયસૂચકતાએ એક યુવાન દીકરીનો જીવ બચાવીને "સેવા, સુરક્ષા અને શાંતિ" ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.