Loading Please Wait !!!
ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે

 

  • છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં નોંધાયા 28 કેસ

  • હરિયાણા 108 કેસ સાથે દેશમાં પ્રથમ ક્રમે

  • કાયદાકીય અમલીકરણ અને માનસિકતા પર ગંભીર સવાલો

સિટી ન્યુઝ @ ગાંધીનગર 

'બેટી બચાવો'ના નારા વચ્ચે ગુજરાતમાંથી ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અહેવાલ મુજબ, ગેરકાયદેસર લિંગ પરીક્ષણમાં ગુજરાત દેશમાં બીજા ક્રમે છે. છેલ્લા 3 વર્ષમાં ગુજરાતમાં આવા 28 કેસ નોંધાયા છે, જ્યારે હરિયાણા 108 કેસ સાથે પ્રથમ ક્રમે છે. આ સ્થિતિ રાજ્યમાં કાયદાના અમલ અને સામાજિક માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે અને કથિત વિકસિત ગુજરાતનું એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સત્તાવાર આંકડાઓ અનુસાર, ગેરકાયદેસર લિંગ પરીક્ષણના મામલામાં હરિયાણા દેશમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ગુજરાત આ યાદીમાં બીજા ક્રમે રહ્યું છે. આ ઉપરાંત અન્ય રાજ્યોની વાત કરીએ તો રાજસ્થાનમાં 11, તમિલનાડુમાં 10, દિલ્હીમાં 9, કર્ણાટકમાં 8, પંજાબમાં 3 અને મહારાષ્ટ્રમાં 1 કેસ નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે દેશના અનેક ભાગોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ હજુ પણ ચાલુ છે.

રાજ્યમાં ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્યની તપાસ માટેના અલ્ટ્રાસાઉન્ડ મશીનોનો પાછલા બારણે ગેરકાયદેસર ઉપયોગ થઈ રહ્યો છે. કાયદાકીય રીતે ગર્ભનું લિંગ જાહેર કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, કેટલાક લાલચુ તબીબો અને લેબ સંચાલકો લાખો રૂપિયા કમાવવા માટે આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે. જેના કારણે ભ્રૂણ હત્યા અને જાતિગત અસંતુલનનું જોખમ સતત વધતું જાય છે.

દેશમાં પીપીએનડીટી (PNDT) એક્ટ કડકતાથી અમલમાં હોવા છતાં વાસ્તવિક ચિત્ર ખૂબ જ ભયાવહ છે. જોકે, કેટલાક રાજ્યોની સ્થિતિ અલગ છે; કેરળ, આસામ, હિમાચલ, ગોવા, છત્તીસગઢ, ઉત્તરાખંડ, પુડુચેરી, ચંડીગઢ, મધ્ય પ્રદેશ, મિઝોરમ, ઓડિસા, નાગાલેન્ડ, સિક્કિમ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ અને મેઘાલય જેવા રાજ્યોમાં છેલ્લા 3 વર્ષમાં ગેરકાયદેસર લિંગ પરીક્ષણનો એક પણ કેસ નોંધાયો નથી.

એક તરફ સરકાર દ્વારા 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાન પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળે છે. નિષ્ણાતોના મતે, જો સમય રહેતા ગેરકાયદેસર સોનોગ્રાફી સેન્ટરો પર કડક સર્વેલન્સ અને દરોડા પાડવામાં નહીં આવે, તો રાજ્યમાં જાતિગત સંતુલન ગંભીર રીતે ખોરવાઈ શકે છે, જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવા અનિવાર્ય છે.

ગેરકાયદેસર લિંગ પરીક્ષણ સામે કડક પગલાંની જરૂર

સ્વાસ્થ્ય મંત્રાલયના આ ચોંકાવનારા અહેવાલે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. ગુજરાતમાં બીજા ક્રમે હોવું એ પ્રશાસન માટે લાલબતી સમાન છે, અને જો સમયસર કડક કાયદાકીય કાર્યવાહી નહીં થાય તો સામાજિક સંતુલન ગંભીર જોખમમાં મુકાઈ શકે છે.