Loading Please Wait !!!
રાજકીય ડોનેશનમાં ગુજરાત દેશમાં ત્રીજા સ્થાને: 2024-25 માં રાજ્યના પક્ષોને મળ્યું ₹309 કરોડનું ભંડોળ

  • દિલ્હી અને મહારાષ્ટ્ર બાદ ગુજરાત 'પાવર સેન્ટર' - ભાજપને ફાળે સિંહફાળો, કોંગ્રેસ-આપ પાછળ
  • દેશના કુલ રાજકીય ભંડોળમાં ગુજરાતનો દબદબો - દિલ્હી અને મહારાષ્ટ્ર હજુ પણ ટોચ પર
  • સત્તાની તાકાત કે ઉદ્યોગોનો સાથ? રાજકીય પક્ષોના ખજાનામાં ગુજરાતમાંથી વહ્યો નાણાંનો પ્રવાહ

ગુજરાત તેની ઉદ્યોગસાહસિકતા અને વ્યાપારી સમૃદ્ધિ માટે જાણીતું છે, જેની સીધી અસર હવે રાજકીય પક્ષોના ભંડોળમાં પણ જોવા મળી રહી છે. વર્ષ 2024-25 ના જાહેર થયેલા આંકડા મુજબ, રાજકીય પક્ષોને ડોનેશન આપવામાં ગુજરાત દેશનું ત્રીજું સૌથી મોટું રાજ્ય બન્યું છે. દેશની રાજકીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાંથી સૌથી વધુ ભંડોળ રાજકીય પક્ષોના ખજાનામાં ગયું છે.

ગુજરાતમાં ભાજપનો એકહથ્થુ દબદબો ગુજરાતમાંથી મળેલા કુલ ₹309.2 કરોડના ભંડોળમાં સત્તાધારી પક્ષ ભાજપનો સિંહફાળો છે. ભાજપને ગુજરાતમાંથી ₹308 કરોડનું માતબર ભંડોળ મળ્યું છે, જે કુલ રકમના લગભગ 99% જેટલું થાય છે. તેની સામે વિરોધ પક્ષ કોંગ્રેસને માત્ર ₹70 લાખ અને આમ આદમી પાર્ટીને ₹10 લાખનું ભંડોળ મળ્યું છે. આ આંકડા દર્શાવે છે કે ઉદ્યોગપતિઓ અને દાતાઓનો ભરોસો સત્તાધારી પક્ષ પર વધુ રહ્યો છે.

દિલ્હી અને મહારાષ્ટ્ર સાથે સરખામણી જોકે, ગુજરાત ત્રીજા નંબરે હોવા છતાં દિલ્હી અને મહારાષ્ટ્રની સરખામણીમાં આ રકમ ઘણી ઓછી છે. દિલ્હીમાં રાજકીય પક્ષોને ₹2639.5 કરોડ અને મહારાષ્ટ્રમાં ₹2438.8 કરોડનું ભંડોળ મળ્યું છે. દિલ્હીમાં પણ ભાજપને ₹2365 કરોડ મળ્યા છે, જે ગુજરાત કરતા અનેકગણું વધારે છે. રસપ્રદ વાત એ છે કે, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભાજપ સત્તામાં ન હોવા છતાં ત્યાંથી અનુક્રમે ₹223 કરોડ અને ₹183 કરોડનું ડોનેશન મેળવવામાં સફળ રહ્યો છે.

કોર્પોરેટ દાનનો મોટો હિસ્સો દેશભરમાં રાજકીય પક્ષોને કોર્પોરેટ જગત તરફથી કુલ ₹6128 કરોડનું દાન મળ્યું છે. ગુજરાતના સંદર્ભમાં જોઈએ તો, ₹250.4 કરોડ કોર્પોરેટ સેક્ટરમાંથી આવ્યા છે, જ્યારે ₹57.5 કરોડ વ્યક્તિગત ડોનેશન તરીકે મળ્યા છે. વ્યક્તિગત ડોનેશનમાં મોટાભાગે ₹2000 ની નાની રકમના દાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ યુનિયન તરફથી પણ ₹1 કરોડનું યોગદાન મળ્યું છે.

નિષ્ણાતોના મતે, ગુજરાતમાં વધતો ઉદ્યોગ-વ્યાપાર અને સ્થિર રાજકીય વાતાવરણ આ મોટા ભંડોળ પાછળનું મુખ્ય કારણ છે. આગામી સમયમાં જ્યારે ચૂંટણીઓ નજીક આવશે ત્યારે આ આંકડાઓમાં હજુ પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે.