કરોડોના GST કૌભાંડમાં CA કપિલ દાસાણીની ધરપકડ ગેરકાયદેસર
- ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે સ્ટેટ GST વિભાગની કાર્યવાહીને ફટકો આપ્યો
- એડવોકેટ અપૂર્વ મહેતાની ધારદાર રજૂઆતોથી રિમાન્ડની માંગ નામંજૂર
સિટી ન્યૂઝ@રાજકોટ : સૂર્યા હાઇબ્રિડ કંપનીના કરોડોના જીએસટી કૌભાંડમાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રાજકોટના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) કપિલ દાસાણીની કરવામાં આવેલી ધરપકડને રાજકોટની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ગેરકાયદેસર ઠરાવી છે. મોડી સાંજ સુધી ચાલેલી કાનૂની જંગમાં, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો ભંગ થવા બદલ કોર્ટે આરોપી CA ને તત્કાળ છોડી મૂકવાનો ઐતિહાસિક આદેશ આપતા જીએસટી વિભાગને મોટો ફટકો પડ્યો છે.
કેસની વિગત મુજબ, રાજકોટના સ્ટેટ જીએસટી વિભાગે સૂર્યા હાઇબ્રિડ કંપનીના વ્યવહારો માટે સોની બજાર અને સામાકાંઠા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જેમાં ખરેખર માલના વેચાણ વગર 572 કરોડના બોગસ બિલો આપીને 22.95 કરોડની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ પાસઓન કરવાનું અને 615 કરોડના બિલો મેળવી 25.93 કરોડની બોગસ ક્રેડિટ મેળવ્યાનું કૌભાંડ પકડાયું હતું. આ કેસમાં વિભાગે કંપનીના ડિરેક્ટર અને CA કપિલ દાસાણીની 4 મે 2026 ના રોજ ધરપકડ કરી કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.
સુનાવણી દરમિયાન CA કપિલ દાસાણીના એડવોકેટ અપૂર્વ મહેતાએ ધારદાર રજૂઆત કરી હતી કે, જીએસટી અધિકારીએ ધરપકડ માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સનો સરેઆમ ભંગ કરી ભારતીય બંધારણના આર્ટિકલ-21 નું ઉલ્લંઘન કર્યું છે. અસીલ દ્વારા કરવામાં આવેલી કરચોરી માટે તેના CA કે ટેક્સ કન્સલ્ટન્ટને સીધી રીતે જવાબદાર ન ઠેરવી શકાય. આરોપીઓ પાસેથી બળજબરીપૂર્વક લીધેલા નિવેદનોના આધારે CA ને ફસાવી દેવામાં આવ્યા છે. દાસાણી કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી ધરાવતા નથી અને 2 દાયકાથી પ્રેક્ટિસ કરે છે.
જીએસટી વિભાગે આ અરજીનો વિરોધ કરતા દલીલ કરી હતી કે આરોપીએ ગંભીર પ્રકારનો ઈકોનોમિક ઓફેન્સ આચરી સરકારી તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું છે. જોકે, બંને પક્ષોની ઉગ્ર દલીલોના અંતે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે બચાવ પક્ષના એડવોકેટ અપૂર્વ મહેતા અને જયદીપ કુકડીયાની દલીલો માન્ય રાખી હતી. કોર્ટે CA કપિલ દાસાણીની ધરપકડને ગેરકાયદેસર ઠેરવી રિમાન્ડની માંગ ફગાવી દીધી હતી અને તેમને તત્કાળ છોડી મૂકવાનો હુકમ ફરમાવ્યો હતો.
ઉપરોક્ત કેસમાં સી.એ. કપિલ દાસાણી વતી ગુજરાત હાઇકોર્ટના જાણીતા ધારાશાસ્ત્રી અપૂર્વ. એન. મહેતા તથા જયદીપ એમ. કુકડીયા રોકાયેલા હતા.