Loading Please Wait !!!
વડોદરાના વોર્ડ નં-12 માં જનતાનો પિત્તો ગયો: 'વિકાસના નામે મીંડું, સરકાર માત્ર ખાડા ખોદવામાં અગ્રેસર'

  • અટલાદરામાં 15 ફૂટ ઊંડા ખાડા અને ગંદકીના ગંજ – પીવાના પાણી માટે મહિલાઓને 2 કિમીનો ધક્કો
  • પ્રધાનમંત્રી આવાસમાં મકાન મળ્યા પણ 5 વર્ષથી પાણી નથી – અટલાદરા તળાવ ગંદકીથી ખદબદ્યું
  • રોડ રસ્તાની હાલત એવી કે ઘરે આવતા પહેલા વિચાર કરવો પડે – ખાડામાં ખાબકતા યુવાનો લોહીલુહાણ

વડોદરા મહાનગરપાલિકાની આગામી 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી પૂર્વે શહેરના વોર્ડ નંબર 12 માં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અટલાદરા, પ્રમુખસ્વામી કુટીર સોસાયટી અને માધવનગર જેવા વિસ્તારોની મુલાકાત લેતા જનતાનો પિત્તો ફાટી રહ્યો છે. સ્થાનિક રહીશોનો આરોપ છે કે સરકાર માત્ર ખાડા ખોદવામાં અગ્રેસર છે, જ્યારે પાણી, ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓના નામે 'મીંડું' છે. અહીંની મહિલાઓએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "વડોદરામાં મગર કરતા પણ મોટા ભ્રષ્ટ 'ઉંદરો' છે, જે જનતાના પૈસા ખાઈને મોટા થયા છે."

અટલાદરા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા એટલી વિકટ છે કે મહિલાઓએ 2 થી 5 કિલોમીટર સુધી ચાલીને પાણીની ટાંકીએ જવું પડે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલા માધવનગરના 25 ટાવરમાં સેંકડો પરિવારો રહે છે, પરંતુ વર્ષો વીતી ગયા છતાં તેમને પીવાનું પાણી નસીબ થયું નથી. રહીશોના જણાવ્યા મુજબ, ચોમાસામાં અહીં નરક જેવી સ્થિતિ સર્જાય છે. રસ્તાઓ પર 10 થી 15 ફૂટ ઊંડા ખાડા ખોદીને તંત્ર ભૂલી ગયું છે, જેમાં તાજેતરમાં જ એક યુવક ખાબકતા ગંભીર રીતે લોહીલુહાણ થયો હતો.

વોર્ડ નં-12 માં સમાવિષ્ટ નવા ભળેલા બિલ ગામ અને પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પણ પરિસ્થિતિ દયનીય છે. ખુલ્લી કાંસમાં ગટરના ગંદા પાણી છોડવામાં આવતા આખો વિસ્તાર દુર્ગંધ અને બીમારીના ખતરા હેઠળ છે. સ્થાનિક રહીશ દીપકભાઈ બારિયાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, "નેતાઓ ક્યાં ગાયબ છે તે ખબર નથી, 5 વર્ષથી કોઈના દર્શન થયા નથી." અટલાદરા તલાટી ઓફિસની સામે જ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે, જે સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડાવે છે.

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ આ મુદ્દે ભાજપ શાસિત કોર્પોરેશનને ઘેરી છે. તેમણે પડકાર ફેંક્યો છે કે જો હિંમત હોય તો નેતાઓ પક્ષના સિમ્બોલ વગર પોતાના 'વિકાસ' ના કામ પર વોટ માંગી બતાવે. 26 એપ્રિલે જ્યારે મતદાન થશે, ત્યારે અટલાદરા અને વોર્ડ નં-12 ની જનતા વર્ષોની હાલાકીનો જવાબ વોટ દ્વારા આપવા મક્કમ જણાય છે. રાજકોટમાં પણ જ્યારે રસ્તાઓ અને પાણીના પ્રશ્નો ચર્ચાય છે, ત્યારે વડોદરાનો આ ગ્રાઉન્ડ રિપોર્ટ શહેરી વહીવટની પોલ ખોલે છે.