ગોંડલના ગોમટા સ્થિત ભાદર નદીના વહેણમાં ગેરકાયદે દબાણની ફરિયાદ
=> દબાણને કારણે આગામી ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની સ્થિતિ અંગે ગ્રામજનોમાં રોષ
સિટી ન્યૂઝ@રાજકોટ : ગોંડલ તાલુકાના ગોમટા ગામ પાસેથી પસાર થતી ભાદર નદીના વહેણમાં કેટલાક શખ્સો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હોવાની લેખિત ફરિયાદ ગોંડલ તાલુકા મામલતદાર ને કરવામાં આવી છે. આ દબાણને કારણે આગામી ચોમાસામાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની અને જન-માલને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ગોમટા ગામના રહેવાસી બાબુભાઈ ચોથાભાઈ ચાવડીયા અને અન્ય ખેડૂતોએ રાજકોટ સ્થિત જીલ્લા કાર્યપાલક ઈજનેરની કચેરીએ ન્યાયની માંગ સાથે અરજી કરી છે. અરજીમાં જણાવ્યા અનુસાર, ભાદર નદીના કાંઠે આવેલા કેટલાક સર્વે નંબરના ખાતેદારો દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. અરજદારોનો આક્ષેપ છે કે, સર્વે નં. 27 પૈકી 1 ની સરકારી ખરાબાની જમીનમાં માટી અને પથ્થર નાખીને નદીના કુદરતી વહેણને અવરોધવામાં આવ્યું છે. આ દબાણ સર્વે નં. 23 પૈકી 3 ના ખાતેદાર જગદીશભાઈ મનસુખભાઈ મારવણીયા તથા સર્વે નં. 27 પૈકી 4 ના ખાતેદાર રમેશભાઈ કાનજીભાઈ ભાલોડીયા વગેરે દ્વારા કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
નદીના વહેણમાં અવરોધ ઉભો થવાથી પાણીનો નિકાલ બંધ થયો છે. જો સમયસર આ દબાણ દૂર કરવામાં નહીં આવે, તો આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે. ગામના રહીશો અને ખેડૂત ખાતેદારોએ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 'સ્થળ તપાસ' કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ચગે હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ ગંભીર ફરિયાદ પર કેટલી ઝડપથી એક્શન લે છે અને ભાદર નદીને દબાણમુક્ત કરાવે છે કે કેમ?
દબાણકારોએ પાણીના તલાવડા બુરી નાખ્યા
ભરવાડ બાબુભાઈ ચોથાભાઈ ચાવડિયા એ જણાવ્યું હતું આ અમારી ભાદર નદીમાં સરકારી જમીન ઇરિગેશનની, એમાં જગદીશભાઈ મનુભાઈ મારવણિયા અને રમેશભાઈ કાનજીભાઈ ભાલોડી, ઈ આ સરકારી જમીન ઉપર દબાણ કરી રહ્યા છે.આ જમીનમાં હાલવાના અમારા માલના કેડા છે અને આ જમીન ઉપર અમે અમારા માલઢોરને ચરાવીએ છીએ. તો આ જમીન જે આ લોકો દબાણ કરી રહ્યા છે. 12 ફૂટ જેટલો પાણીનો જથ્થો છે એ જથ્થો બૂરી રહ્યા છે. તો આ જમીન ઉપર મામલતદાર કચેરીએ અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને જો આનો કોઈ નિવાડો ન આવે તો અમે આનું ઉગ્ર આંદોલન કરશું અને આ આંદોલન છેક ગાંધીનગર, દિલ્હી લગાણ અમે પહોંચાડી દેશું.