ગૌચરની જમીનમાં BJPના પૂર્વ ધારાસભ્યની કરોડોની ખનીજ ચોરી?
=> ખીરસરામાં ખનીજચોરીનો ખુલ્લો ખેલ, ઓડિયો વાયરલથી તંત્ર હચમચ્યું
=> સામાન્ય નાગરિક અને મામલતદારની ઓડિયો ક્લિપ વાયરલ
=> ગૌચરની જમીનમાં ખાણ માફિયાઓનું સામ્રાજ્ય; પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને ઉપસરપંચ સામે મિલીભગતનો આક્ષેપ
=> લોધીકાના ખીરસરામાં ખનીજચોરીનો ખુલ્લો ખેલ: વિવાદિત ઓડિયો વાયરલ થતાં દોડધામ
સિટી ન્યૂઝ@રાજકોટ
લોધીકા તાલુકાના ખીરસરા ગામમાં મોટા પાયે ચાલી રહેલી ગેરકાયદે ખનીજચોરીનો મામલો ગરમાયો છે. ખીરસરા ખનીજચોરી અંગેનો એક વિવાદિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. મળતી માહિતી મુજબ, રાતૈયા રોડ પર આવેલી સરકારી ગૌચરની કિંમતી જમીનને ખાણ માફિયાઓ દ્વારા બેફામ રીતે ખોતરી ખાવામાં આવી રહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કડક પગલાં ન લેવાતા તંત્રની મૌન ભૂમિકા સામે અનેક સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર કૌભાંડમાં પીસીસી ડામર પ્લાન્ટ પાસે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને સ્થાનિક ઉપસરપંચની સીધી મિલીભગત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. વાયરલ ઓડિયોમાં આ ખનીજચોરી પાછળના રાજકીય આશીર્વાદ અને આર્થિક સાંઠગાંઠના સંકેતો મળતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સરકારી અસ્કયામતો અને ગૌચરની જમીનનું ધોળા દિવસે નિકંદન કાઢતા ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગ અને સ્થાનિક પ્રશાસન ક્યારે જાગશે અને કેવા પગલાં ભરશે તે હવે જોવાનું રહ્યું.