દિલ્હીમાં આજથી બ્રિક્સ શિખર સંમેલનનો પ્રારંભ
-
ભારત ઈનોવેટ્સ પ્રદર્શન અને ફોટો સેસનનું આયોજન
-
સાંજે 7:30 કલાકે વડાપ્રધાન મોદી યોજશે ભોજન સમારંભ
-
રશિયા અને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય મંત્રણા
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
આવતીકાલથી શરૂ થઈ રહેલા બ્રિક્સ શિખર સંમેલનમાં આજથી જ વૈશ્વિક નેતાઓનું આગમન શરૂ થઈ ગયું છે. આજના મુખ્ય કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર મંત્રણા ઉપરાંત ઈરાનના રાષ્ટ્રપતિ મસુદ પેજેશ્કિયન સાથે પણ દ્વિપક્ષીય મંત્રણા યોજવાના છે.
આવતીકાલે બપોરે 2:00 વાગ્યે બ્રિક્સ શિખર સંમેલન માટે વૈશ્વિક નેતાઓ દિલ્હીના ભારત મંડપમ્ ખાતે પહોંચવાનું શરૂ થઈ જશે. બપોરે 2:35 મિનિટે સર્વપ્રથમ ક્લોઝ્ડ ડોર બેઠક યોજાશે, જેમાં સમિટનો એજન્ડા નિશ્ચિત કરવામાં આવશે. ત્યારબાદ સાંજે 4:25 કલાકે વૈશ્વિક નેતાઓ 'ભારત ઈનોવેટ્સ' પ્રદર્શન નિહાળશે અને 5:05 કલાકે ફોટો સેસન યોજાશે.
આ કાર્યક્રમો બાદ સામુહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાંજે 7:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ રાષ્ટ્રીય નેતાઓના સન્માનમાં ભોજન સમારંભ યોજશે. જ્યારે રવિવારે સવારે 9:55 કલાકે બ્રિક્સના રાષ્ટ્રવડાઓ ફરી ભારત મંડપમ પહોંચશે અને ફોટો સેસન બાદ સવારે 10:50 કલાકે બ્રિક્સનું ઓપન સેશન શરૂ થશે. આ દરમિયાન અલગ અલગ દેશોના રાષ્ટ્રવડાઓ સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ પણ યોજાશે.
વૈશ્વિક કૂટનીતિનું કેન્દ્ર બન્યું દિલ્હી
બ્રિક્સ શિખર સંમેલન નિમિત્તે દિલ્હીમાં દુનિયાભરના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ ભારતની વૈશ્વિક કૂટનીતિ અને વધતા પ્રભાવને દર્શાવે છે. આ બેઠકો દ્વારા આર્થિક સહયોગ, સુરક્ષા અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાય તેવી અપેક્ષા છે.