Loading Please Wait !!!
મુંબઈની ગંદકી મામલે બોમ્બે હાઈકોર્ટની લાલઆંખ

 

  • જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચની ટકોર

  • વિવિધ વિસ્તારોના ફોટોગ્રાફ્સ નિહાળીને વ્યક્ત કરી અસંતોષ

  • કમિશનરને શહેરની વાસ્તવિક સ્થિતિથી અવગત કરાવવાની વાત

સિટી ન્યુઝ @ મુંબઈ

શહેરમાં સતત વધી રહેલી ગંદકી અને જાહેર સ્થળોએ કચરો ઠાલવવાની સમસ્યાને લઈને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ મહાનગરપાલિકા (BMC)ને આકરી ટકોર કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે માત્ર સામાન્ય નાગરિકો પાસેથી દંડ વસૂલવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, પરંતુ શહેરની સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ રહેનારા સંબંધિત વોર્ડ અધિકારીઓની જવાબદારી પણ ચોક્કસપણે નક્કી થવી જોઈએ.

જસ્ટિસ જી.એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની ડિવિઝન બેન્ચે કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા મુંબઈના વિવિધ વિસ્તારોના ફોટોગ્રાફ્સ ગંભીરતાથી નિહાળ્યા બાદ BMCની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે સુનાવણી દરમિયાન ટકોર કરતાં કહ્યું હતું કે જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ગંજ જોવા મળી રહ્યા છે.

કોર્ટે વધુમાં ચેતવણી આપતા જણાવ્યું કે જો મ્યુનિસિપલ કમિશનરને આ સ્થિતિની જાણ ન હોય, તો અદાલત સમગ્ર શહેરના ફોટોગ્રાફ્સ બતાવવા તૈયાર છે. જો વોર્ડ અધિકારીઓ પોતાની ફરજ યોગ્ય રીતે બજાવતા નહીં દેખાય, તો તેમની સામે અદાલતના તિરસ્કાર (કન્ટેમ્પ્ટ)ની કાર્યવાહી કરવામાં આવશે. અદાલતના આ કડક વલણને કારણે મ્યુનિસિપલ પ્રશાસનમાં પણ દોડધામ મચી જવા પામી છે.

પ્રશાસન અને નાગરિકોની સંયુક્ત જવાબદારી

બોમ્બે હાઈકોર્ટની આ લાલઆંખ દર્શાવે છે કે શહેરી સ્વચ્છતા માત્ર નાગરિકોના શિસ્તબદ્ધ વર્તન પર જ નહીં, પરંતુ સ્થાનિક પ્રશાસનની સક્રિયતા પર પણ એટલી જ નિર્ભર છે. વોર્ડ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાથી મુંબઈમાં સફાઈ વ્યવસ્થા વધુ ચુસ્ત બનશે તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

>> 10 દિવસમાં તમામ વોર્ડ અધિકારીઓની વિગતો રજૂ કરવા આદેશ
હાઈકોર્ટે BMCને 10 દિવસની અંદર સોગંદનામું રજૂ કરી શહેરની સ્વચ્છતા અને હાઇજીન માટે જવાબદાર તમામ વોર્ડ અધિકારીઓ તથા તેમના હેઠળના અધિકારીઓની વિગતો આપવા આદેશ કર્યો છે.

કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે જો સંબંધિત વિસ્તારોમાંથી ગંદકી અંગેની ફરિયાદો ચાલુ રહેશે તો જવાબદાર અધિકારીઓની સીધી જવાબદારી નક્કી કરવામાં આવશે.

>> કચરો ફેંકનારા સામે કડક કાર્યવાહી કરો
કોર્ટે નાગરિકોને પણ આડે હાથ લીધા હતા. ખુલ્લી જગ્યાઓ જોઈને ત્યાં કચરો ફેંકવાની માનસિકતા સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત દર્શાવતા કોર્ટે કહ્યું કે નાગરિકો દ્વારા જાહેર રસ્તાઓ પર કચરો ફેંકવાની પ્રવૃત્તિ ગંભીર બાબત છે.

કોર્ટે સ્થાનિક તંત્રને ગેરકાયદેસર રીતે કચરો ઠાલવનારા નાગરિકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવા તથા પોલીસની મદદથી મહત્તમ દંડ વસૂલવા પણ નિર્દેશ આપ્યો છે.

>> સિંગાપોરનું ઉદાહરણ આપી કડક અમલ પર ભાર
હાઈકોર્ટે કચરો ફેંકવા અંગેના નિયમોના કડક અમલ માટે સિંગાપોરનું ઉદાહરણ આપ્યું હતું. કોર્ટે જણાવ્યું કે મુંબઈમાં પણ જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે ભારે દંડ સહિતના કડક પગલાં લેવાની જરૂર છે.

કોર્ટે BMCને ટકોર કરતાં કહ્યું કે કાયદા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, પરંતુ તેનો અસરકારક અમલ કરવામાં મુશ્કેલી છે. માત્ર દંડ વસૂલવામાં રસ રાખવાને બદલે મહાનગરપાલિકાએ પોતાની વ્યવસ્થા પણ સુચારુ રાખવી જોઈએ.

>> કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડનો મુદ્દો પણ કોર્ટ સમક્ષ
આ સમગ્ર મામલો મુંબઈના પૂર્વ ઉપનગરોના રહેવાસીઓ, વનશક્તિ નામની સંસ્થા સહિત અન્ય અરજદારો દ્વારા દાખલ કરાયેલી અરજીઓ સાથે સંકળાયેલો છે. અરજદારો દ્વારા કાંજુરમાર્ગ ખાતે મ્યુનિસિપલ ઘન કચરો ઠાલવવાની પ્રક્રિયા તથા તેના કારણે ફેલાતી દુર્ગંધ અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે.

કાંજુરમાર્ગ ઉપરાંત ભાંડુપ, વિક્રોલી અને મુલુંડ વિસ્તારોમાં ખાસ કરીને રાત્રિના સમયે દુર્ગંધની સમસ્યા રહેતી હોવાનો દાવો અરજદારો દ્વારા કરવામાં આવ્યો છે. કોર્ટે ડમ્પિંગ સાઇટની ફરી મુલાકાત લેવાની પણ વાત કરી હતી અને ત્યાં અત્યાર સુધીમાં થયેલા સુધારાઓની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો.