"ગિરનાર અંબાજી મંદિર અપવિત્ર કરનારા સામે વધુ એક FIR: પૂજારી પુત્ર સહિત 6 સામે ગુનો"
- નોનવેજ પાર્ટીના વીડિયો પુરાવા પોલીસને સોંપાયા - જાગૃત વેપારીએ નોંધાવી ફરિયાદ
- અભિષેક ચૌહાણ અને તેના મિત્રોએ 4 દિવસ રોકાઈ મચાવ્યો હતો આતંક - પોલીસે તપાસ તેજ કરી.
- દાનપેટીની ચોરી અને અપવિત્ર કૃત્ય મામલે કુલ 17 લોકો સામે કાયદાનો ગાળિયો મજબૂત.
જૂનાગઢ: લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમાન ગિરનાર અંબાજી મંદિરમાં બનેલી શરમજનક ઘટનાને પગલે સમગ્ર સનાતન ધર્મ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પવિત્ર શક્તિપીઠના પરિસરમાં દારૂની મહેફિલ અને નોનવેજ રાંધીને ખાવાના વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. આજે 19 માર્ચે વધુ એક ફરિયાદ નોંધાતા આ મામલે કુલ આરોપીઓની સંખ્યામાં વધારો થયો છે.
આજે નોંધાયેલી ફરિયાદ મુજબ, પૂજારીનો પુત્ર અભિષેક ઉર્ફે બોય તેના મિત્રો જીગ્નેશ ડાભી, છગન ડાભી અને નિખિલ મેઘનાથી તેમજ બે સગીરો સાથે મંદિરમાં અનઅધિકૃત રીતે પ્રવેશ્યો હતો. આ ટોળકીએ મંદિરના ગોખ પાસે દારૂ પીધો હતો અને ભંડારાના રસોડામાં નોનવેજની પાર્ટી કરી બિભત્સ ગાળો બોલી હતી. છગન ડાભી નામના શખ્સે શહેર વિસ્તારમાંથી માંસ અને દારૂ ઉપર પહોંચાડવાની ભૂમિકા ભજવી હતી. આ ઘટના ગત 22 ઓક્ટોબર, 2025 ના રોજ બની હોવાનું સામે આવ્યું છે.
દાનપેટીમાં ચોરીનો પર્દાફાશ ગઈકાલે નોંધાયેલી ફરિયાદમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, કેટલાક પૂજારીઓ દાનપેટી પર કપડું કે વાસણ ઢાંકી દેતા હતા જેથી ભક્તોનું દાન સીધું પેટીમાં ન જાય અને તેઓ તે રકમ પોતાના ખિસ્સામાં સેરવી શકે. સીસીટીવી ફૂટેજમાં આ હરકત કેદ થતા યોગેશગીરી, દુષ્યંતગીરી સહિત 5 શખ્સો સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.
તંત્રના કડક પગલાં જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ આ બાબતે કડક વલણ અપનાવ્યું છે. તેમણે મંદિરના મહંતની નિમણૂકની પ્રક્રિયા તાત્કાલિક અસરથી રદ કરી છે અને હવે નવા કડક માપદંડો સાથે મહંતની વરણી થશે. સાથે જ, મંદિરના 12 કર્મચારીઓના પ્રવેશ પર કાયમી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે 24 કલાક સુરક્ષા ગાર્ડ, અત્યાધુનિક સીસીટીવી અને રાત્રિ રોકાણ પર સજ્જડ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.
હાલમાં ભવનાથ પોલીસે પેન ડ્રાઈવમાં રહેલા વીડિયો પુરાવા કબજે કરી આરોપીઓની ધરપકડ કરવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ તેજ કરી છે. ગિરનારની ગરિમા લજવનારા આ તત્વો સામે કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે.