દિવાળી ટાણે ગીરના જંગલની સુરક્ષા સામે સવાલો!
- વનકર્મીઓના આંદોલનને કારણે ગીર બોર્ડર પર રેડ એલર્ટ!
- બીટગાર્ડ અને ફોરેસ્ટર ગાંધીનગર ખાતે આંદોલને બેઠા!
- સાવજોની સુરક્ષા રામભરોસે છોડીને તંત્ર ગાયબ!
સિટી ન્યુઝ @ ગીર સોમનાથ
દિવાળીના તહેવારો દરમિયાન ગીર-સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લાને સ્પર્શતી ગીરની બોર્ડર પર પ્રવાસીઓનો ભારે જમાવડો થતો હોય છે, ત્યારે વનકર્મીઓના આંદોલનને કારણે સિંહોની સુરક્ષા રામભરોસે મુકાઈ ગઈ છે.
દર વર્ષે તહેવારોમાં સિંહોની પજવણી અટકાવવા માટે વન વિભાગ દ્વારા 24 કલાક સઘન પેટ્રોલિંગ અને 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે જંગલની સુરક્ષા સંભાળતા મુખ્ય બીટગાર્ડ અને ફોરેસ્ટર પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે આંદોલનના માર્ગે છે.
ગ્રાઉન્ડ લેવલનું સમગ્ર તંત્ર ગાંધીનગરમાં ધામા નાખીને બેઠું હોવાથી ગીરનું જંગલ હાલ રૈહડપડી ગયું છે, જેના કારણે દિવાળીના દિવસોમાં અસામાજિક તત્વો અને છુપા સિંહપ્રેમીઓ દ્વારા સાવજોની પજવણી વધવાની મોટી આશંકા સેવાઈ રહી છે.
વન વિભાગના પાયાના કર્મચારીઓ લાંબા સમયથી પોતાની વાજબી માંગણીઓ માટે લડી રહ્યા છે, છતાં તહેવારો જેવા અત્યંત સંવેદનશીલ સમયે સરકારે સમયસર કોઈ સકારાત્મક વાટાઘાટો ન કરતા જંગલની સુરક્ષા જોખમમાં મુકાઈ છે.
સિંહપ્રેમીઓ, વનજીવન નિષ્ણાતો અને સ્થાનિક નાગરિકોમાં સરકારની આ ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, અને જો સમયસર વનકર્મીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ગીરના સાવજોની સુરક્ષા ગંભીર ખતરામાં આવી શકે છે.
વન્યજીવોની સુરક્ષા અને પ્રશાસનિક જવાબદારીની વાસ્તવિકતા
ગુજરાતનું ગૌરવ સમાન એશિયાટીક સિંહોનું ઘર ગણાતું ગીર જંગલ માત્ર એક પ્રવાસન સ્થળ નથી, પરંતુ તે આપણી કુદરતી ધરોહર છે. તહેવારોની મોસમમાં જ્યારે હજારો પ્રવાસીઓ ગીરની સરહદો પર ઉમટી પડે છે, ત્યારે વન્યજીવોના સંરક્ષણ માટે વન વિભાગનું સક્રિય હોવું અનિવાર્ય છે. પરંતુ જ્યારે પાયાના કર્મચારીઓ જ પોતાની હક્ક-માટે લડવા મજબૂર બને અને તંત્ર હાથ પર હાથ ધરીને બેસી રહે, ત્યારે સિસ્ટમની નિષ્ક્રિયતા ખુલ્લી પડી જતી હોય છે. વન્યજીવોના રક્ષણ સાથે કોઈપણ પ્રકારની લાપરવાહી સાંખી ન શકાય, અને સરકારે કર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવીને જંગલની સુરક્ષા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવી જ જોઈએ.