ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને યુએઈનું સર્વોચ્ચ સન્માન!
- ઇઝરાયલ જતી ફ્લાઇટમાં મોટી દુર્ઘટના ટાળીને બચાવ્યા જીવ!
- કોકપીટમાં કો-પાયલોટના હુમલા વચ્ચે અસાધારણ સાહસ દાખવ્યું!
- ઓર્ડર ઓફ જાયદ સેકન્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા!
સિટી ન્યુઝ @ દુબઈ : ઇઝરાયલ જતી ફ્લાઇટમાં આકાશમાં સર્જાયેલી મોટી દુર્ઘટના ટાળીને 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) દ્વારા દેશના સર્વોચ્ચ સન્માનથી નવાજવામાં આવ્યા છે.
યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહ્યાને કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના ક્રૂ મેમ્બર્સને પ્રથમ શ્રેણીના ‘ઓર્ડર ઓફ જાયદ II’ સન્માનથી સન્માનિત કર્યા છે, જે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન દ્વારા અર્પણ કરાયો હતો.
ગત 30 સપ્ટેમ્બરના રોજ દુબઈથી તેલ અવીવ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દરમિયાન કો-પાયલોટે અચાનક હુમલો કરીને વિમાન ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને કેપ્ટને નિષ્ફળ બનાવ્યો હતો.
ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિત મચ્છરે હિંમત ન હારીને અન્ય ક્રૂ મેમ્બર્સ અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો હતો અને વિમાનને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કર્યું હતું.
યુએઈના રાષ્ટ્રપતિએ આ બહાદુર ક્રૂ સભ્યો સાથે મુલાકાત કરીને તેમની અજોડ વફાદારી, સૂઝબૂઝ અને સાહસની મુક્તકંઠે પ્રશંસા કરી હતી અને તેમને દેશનું ગૌરવ ગણાવ્યા હતા.
કેપ્ટન સ્મિત મચ્છરનું સાહસ અને યુએઈ સરકારનું સન્માન
દુબઈથી ઇઝરાયલ જતી ફ્લાઇટમાં કો-પાયલોટ દ્વારા જ વિમાનને હાઈજેક કે ક્રેશ કરવાનો ઘાતક પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ગુજરાતી પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છરે જે અસીમ સાહસ અને સૂઝબૂઝ દાખવી તે ખરેખર રોમાંચક અને પ્રેરણાદાયી છે. જીવના જોખમે ૧૭૪ મુસાફરોના પ્રાણ બચાવવા એ સામાન્ય બાબત નથી. યુએઈ સરકારે તેમને દેશના સર્વોચ્ચ 'ઓર્ડર ઓફ જાયદ II' એવોર્ડથી સન્માનિત કરીને તેમની બહાદુરીને યોગ્ય માન આપ્યું છે. આવી આપત્તિજનક પરિસ્થિતિઓમાં પણ માનસિક સંયમ જાળવીને મોટો અનર્થ ટાળનાર કેપ્ટન સ્મિત મચ્છર સમગ્ર દેશનું ગૌરવ બની ગયા છે.