Loading Please Wait !!!
વડોદરામાં ગેસ ચોરીનું મસમોટું કૌભાંડ: તમારા ઘરે આવતો LPG સિલિન્ડર જોખખીને જ લેજો, નહીં તો છેતરાશો

 

  • વડોદરા શહેર SOG એ અટલાદરા વિસ્તારમાંથી ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા.

  • આરોપીઓ રુદ્ર ગેસ એજન્સીના કર્મચારીઓ હોવાનું બહાર આવ્યું, જેઓ રસ્તામાં જ ગેસની ચોરી કરતા હતા.

  • પોલીસ દ્વારા ટેમ્પો, ગેસ સિલિન્ડર અને ડિજિટલ વજનકાંટા સહિત 1,31,657 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.

    જો તમે તમારા ઘરે આવતા ગેસ સિલિન્ડરનું વજન ચેક કર્યા વગર સ્વીકારો છો, તો તમે છેતરાઈ શકો છો. વડોદરા શહેર SOG પોલીસે અટલાદરા વિસ્તારમાં ચાલતા એક ગંભીર ગેસ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ગેસ એજન્સીના જ કર્મચારીઓ ગ્રાહકો સુધી સિલિન્ડર પહોંચે તે પહેલા રસ્તામાં ગેસની ચોરી કરીને અધૂરા વજનના બોટલ ગ્રાહકોને પધરાવી દેતા હતા.

    SOG પીઆઇ બી.ડી. જીતીયાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે અટલાદરાના શ્રીમય ફ્લેટ સામેના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન એક થ્રી-વ્હીલર ટેમ્પામાં બે શખ્સ ભારત ગેસ અને એચ.પી.ગેસના સીલબંધ બોટલમાંથી ખાલી બોટલમાં પાઇપ વાટે ગેસ રિફિલિંગ કરતા રંગેહાથ ઝડપાયા હતા. પકડાયેલા શખ્સોની ઓળખ ડ્રાઈવર વિશાલ થોરાટ અને હેલ્પર રાહુલ ગવરે તરીકે થઈ છે, જેઓ રુદ્ર ગેસ એજન્સી સાથે જોડાયેલા હોવાનું કબૂલ્યું છે.

    તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ ગોડાઉનમાંથી ડિલિવરી કરવા નીકળતી વખતે નિર્જન સ્થળે ટેમ્પો ઉભો રાખી ખાલી બોટલો ભરી લેતા હતા અને ગ્રાહકોને ઓછા ગેસવાળા બોટલો આપતા હતા. આ પ્રવૃત્તિ હાઇટેન્શન વીજળીની લાઈન નીચે કરવામાં આવતી હતી, જે કોઈપણ સમયે ભયાનક અકસ્માત સર્જી શકતી હતી. પોલીસે સ્થળ પરથી ટેમ્પો, ગેસના બોટલો, મોબાઈલ અને ડિજિટલ વજનકાંટો મળી કુલ રૂ. 1.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

    પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના આદેશથી હાલમાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની હેરાફેરી પર કડક નજર રાખવામાં આવી રહી છે. ટેમ્પાનો માલિક દીપક સરાણિયા હાલ ફરાર છે, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ગ્રાહકોને અપીલ કરી છે કે ગેસ લેતી વખતે હંમેશા વજનકાંટા પર વજન ચકાસીને જ સિલિન્ડર લેવો જોઈએ જેથી આવી છેતરપિંડીથી બચી શકાય.