"અમદાવાદમાં ગેસનો કાળો કારોબાર: ઘરેલું બાટલામાંથી રીફિલિંગ કરી ₹૫૦૦૦ માં વેચાતા કોમર્શિયલ સિલિન્ડર"
- અઢી થી ત્રણ લાખ ડબલ કનેક્શન સામે પુરવઠા વિભાગ લાચાર - કાળાબજારિયાઓ કરી રહ્યા છે લાખોની કમાણી.
- હોસ્પિટલ અને સ્કૂલ સિવાય ગેસની અછત - સામાન્ય જનતાના બાટલામાંથી થઈ રહી છે ગેસની 'કટકી'.
- સરકારી આદેશનો ઉલાળિયો કરી રખાયા ડબલ કનેક્શન - ગેરકાયદે રીફિલિંગનું મોટું નેટવર્ક સક્રિય.
શહેરમાં અત્યારે રાંધણ ગેસને લઈને બેવડી કટોકટી જોવા મળી રહી છે. એક તરફ મધ્ય-પૂર્વના યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે સપ્લાય ખોરવાઈ છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં ઘરેલું ગેસના કાળાબજારનો ધીકતો ધંધો શરૂ થયો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરમાં અઢી થી ત્રણ લાખ એવા ઘરો છે જ્યાં PNG લાઈન હોવા છતાં LPG સિલિન્ડર પણ રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં આ ડબલ કનેક્શન સરેન્ડર કરવામાં આવ્યા નથી.
ચિંતાજનક બાબત એ છે કે, આ વધારાના બાટલાઓનો ઉપયોગ હવે વ્યવસાયિક હેતુ માટે થઈ રહ્યો છે. કોમર્શિયલ ગેસના ભાવ ૧૯૦૦ થી વધીને બ્લેકમાં ૫૦૦૦ રૂપિયા સુધી પહોંચી ગયા છે. કાળાબજારિયાઓ ઘરેલું બાટલા (જેની કિંમત સબસીડી સાથે ઓછી હોય છે) માંથી ગેસ ચોરી કરીને કોમર્શિયલ સિલિન્ડરમાં ભરે છે. આ પ્રક્રિયામાં માત્ર ૧૨૫૦ રૂપિયાની પડતર સામે તેઓ ૫૦૦૦ રૂપિયા વસૂલી રહ્યા છે.
પુરવઠા વિભાગ અત્યારે મૂકપ્રેક્ષક બનીને બેઠું હોય તેમ લાગે છે, કારણ કે હજુ સુધી કોઈ મોટા દરોડા કે ડબલ કનેક્શન રદ કરવાની કડક ઝુંબેશ જોવા મળી નથી. હાલમાં એજન્સીઓ પાસે ગેસનો સ્ટોક મર્યાદિત હોવાથી માત્ર આવશ્યક સેવાઓ જેવી કે હોસ્પિટલ અને હોસ્ટેલને જ પ્રાધાન્ય અપાય છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને નાના ઉદ્યોગો કાળાબજારિયાઓનો શિકાર બની રહ્યા છે. જો તંત્ર જલ્દી જાગશે નહીં, તો સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર મોટો બોજ પડવાની સાથે સુરક્ષાનું જોખમ પણ વધશે.