સિનિયર IPS રાજીવ રંજન ભગત હવે SPGમાં ADG
=> ગુજરાત કેડરના અધિકારીને કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી
સિટી ન્યૂઝ@ગાંધીનગર
કેન્દ્ર સરકારની કેબિનેટ નિયુક્તિ સમિતિ દ્વારા દેશની સર્વોચ્ચ સુરક્ષા પાંખ ગણાતી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપના ઉચ્ચ વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૯૯૮ની બેચના અને ગુજરાત કેડરના અત્યંત બાહોશ અને નીડર આઈપીએસ (IPS) અધિકારી રાજીવ રંજન ભગતને હવે એસપીજી (SPG) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ (ADG) તરીકે નિયુક્ત કરવાનો સત્તાવાર આદેશ જારી કરાયો છે. રાજીવ રંજન ભગત લાંબા સમયથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને તેમની સક્ષમ લીડરશિપને જોતાં તેમને આ મહત્વની પોસ્ટ સોંપવામાં આવી છે. મે ૨૦૨૭ સુધી દેશની સૌથી સંવેદનશીલ સુરક્ષા કમાન્ડ સંભાળશેકેન્દ્રીય ગૃહ મંત્રાલયના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, નવા એડીજી તરીકે રાજીવ રંજન ભગતનો આ કાર્યકાળ મે ૨૦૨૭ સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજીવ રંજન ભગત માટે આ એજન્સી અને તેની કાર્યશૈલી બિલકુલ નવી નથી.
તેઓ અગાઉ પણ એસપીજી (SPG) માં ઇન્સ્પેક્ટર જનરલ (IG) તરીકે લાંબો સમય પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. આઈજી તરીકેના તેમના સફળ કાર્યકાળ દરમિયાન પીએમ સિક્યુરિટી પ્રોટોકોલ્સ અને નવીનતમ સુરક્ષા તકનીકોના અમલીકરણમાં તેમનું પ્રદાન અભૂતપૂર્વ રહ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને જ આ પ્રમોશન આપવામાં આવ્યું છે. એસપીજી એ ભારતની એકમાત્ર એવી વિશિષ્ટ સુરક્ષા સંસ્થા છે જે કાયદાકીય રીતે દેશના વડાપ્રધાન અને તેમની સાથે રહેતા સત્તાવાર પદાધિકારીઓને આંતરરાષ્ટ્રીય સ્તરનું હાઈ-ટેક સુરક્ષા કવચ પૂરું પાડે છે. ગુજરાત પોલીસ વિભાગમાં પણ ગર્વની લાગણી ફેલાઈ છે.