ગાંધીનગરમાં મોંઘા પેટ્રોલ-ડીઝલને તિલાંજલિ: 5 મહિનામાં જ EV વેચાણમાં 35%નો તોતિંગ ઉછાળો
- સ્માર્ટ વિકલ્પ તરફ વળ્યા પાટનગરના વાહનચાલકો; માત્ર 5 મહિનામાં 1,500 થી વધુ ઈલેક્ટ્રિક વાહનો નોંધાયા
- 2022માં 2.5% હિસ્સો ધરાવતું EV સેગમેન્ટ 2026માં 5.44% પર પહોંચ્યું; ગ્રીન એનર્જી તરફ મક્કમ કદમ
- માર્ચ મહિનામાં રેકોર્ડબ્રેક 512 EV રજિસ્ટર થયા; મધ્યમ વર્ગ માટે ઈંધણના ખર્ચમાં મોટી બચત
સિટી ન્યુઝ @ ગાંધીનગર
વૈશ્વિક સ્તરે રશિયા-યુક્રેન યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભાવમાં જોવા મળતી ભારે અસ્થિરતા વચ્ચે ગાંધીનગરના વાહનચાલકોએ હવે પરિવહન માટે 'સ્માર્ટ અને ગ્રીન' વિકલ્પ અપનાવી લીધો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થતા સતત વધારાથી મુક્તિ મેળવવા માટે પાટનગરના લોકો હવે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) ને વધુ પસંદ કરી રહ્યા છે. વર્ષ 2026 ના શરૂઆતના પાંચ મહિનાના આંકડા મુજબ, EV વેચાણના ગ્રાફમાં 35% જેટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.
આંકડાકીય વિગતો અને વધતો વિશ્વાસ: જાન્યુઆરીથી મે મહિનાના મધ્ય સુધીમાં ગાંધીનગર જિલ્લામાં કુલ 28,070 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. આશ્ચર્યજનક રીતે, આમાંથી 1,528 વાહનો માત્ર ઈલેક્ટ્રિક સેગમેન્ટના છે. આંકડાકીય સરખામણી કરીએ તો, ફેબ્રુઆરીમાં 232 વાહનો નોંધાયા હતા, જે માર્ચમાં બમણા થઈને 512 પર પહોંચી ગયા હતા, જ્યારે એપ્રિલમાં પણ 397 વાહનોની નોંધણી થઈ છે. છેલ્લા ચાર વર્ષમાં લોકોનો EV પરનો વિશ્વાસ બમણો થયો છે; 2022 માં જે હિસ્સો માત્ર 2.56% હતો તે હવે વધીને 5.44% પર પહોંચી ગયો છે.
ગ્રીન એનર્જીનું વિઝન અને મધ્યમ વર્ગ: વડાપ્રધાનના ગ્રીન એનર્જીના વિઝનને પાટનગરના નાગરિકો જમીની સ્તરે વેગ આપી રહ્યા છે. ખાસ કરીને મધ્યમ વર્ગ હવે પેટ્રોલના મોંઘા ખર્ચમાંથી બચવા માટે ટુ-વ્હીલર અને હવે ફોર-વ્હીલર સેગમેન્ટમાં પણ EV ને પ્રથમ પસંદગી આપી રહ્યો છે. માત્ર સામાન્ય વાહનો જ નહીં, પરંતુ લક્ઝરી કાર સેગમેન્ટમાં પણ પ્યોર EV અને હાઈબ્રિડ મોડલ્સની લોકપ્રિયતા વધી છે.
વર્ષ 2025 માં પણ ગાંધીનગરમાં 2,137 પ્યોર EV અને 782 હાઈબ્રિડ વાહનો નોંધાયા હતા. આ ગતિ દર્શાવે છે કે આવનારા સમયમાં ઈંધણ સંચાલિત વાહનોનો જમાનો ધીમે ધીમે ઓસરી જશે અને રસ્તાઓ પર સાયલન્ટ તેમજ ઇકો-ફ્રેન્ડલી વાહનોનો દબદબો જોવા મળશે. ઇલેક્ટ્રિક વાહનોના વધતા વપરાશને કારણે પાટનગરની હવામાં પ્રદૂષણનું સ્તર પણ ઘટવાની આશા સેવાઈ રહી છે.