Loading Please Wait !!!
ગાંધીનગરમાં ₹1 કરોડના એમ્બરગ્રીસ સાથે 1 શખ્સ ઝડપાયો: વ્હેલ માછલીની ઉલટી જપ્ત

 

  • ચિલોડા પોલીસે વાવોલમાં રહેતા 30 વર્ષીય એજાદઅહમદ કુરેશીને રંગેહાથ ઝડપ્યો

  • થેલામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં સફેદ-ક્રીમ રંગના એમ્બરગ્રીસના ટુકડા મળી આવ્યા

  • વનરાજસિંહ ચાવડા નામના શખ્સે વેચાણ માટે આપ્યાનો ખુલાસો, પોલીસે વોન્ટેડ જાહેર કર્યો

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગાંધીનગર શહેરના ચિલોડા પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી ગણાતી વ્હેલ માછલીની ઉલટી એટલે કે 'એમ્બરગ્રીસ'ની ગેરકાયદેસર હેરાફેરી અને તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે વાવોલ વિસ્તારમાંથી અંદાજે ₹1 કરોડની કિંમતના એમ્બરગ્રીસના જથ્થા સાથે 1 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય 1 આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ચિલોડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જે. ચૌહાણ અને તેમની પેટ્રોલિંગ ટીમે વાવોલ ખાતે રહેતા મૂળ પાટણના 30 વર્ષીય એજાદઅહમદ નિસારઅહમદ કુરેશી નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અંગજડતી અને પાસે રહેલા થેલાની તલાશી લેતાં પ્લાસ્ટિકની કોથળીમાં પેક કરેલા સફેદ અને ક્રીમ રંગના નાના-મોટા અનિયમિત આકારના શંકાસ્પદ પદાર્થના ટુકડા મળી આવ્યા હતા.

પોલીસ દ્વારા હાથ ધરાયેલી આકરી પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સે કબૂલાત કરી હતી કે આ જથ્થો પ્રતિબંધિત અને કિંમતી એમ્બરગ્રીસનો છે. તે ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારોમાં આ જથ્થાના ગેરકાયદે વેચાણ માટે ઊંચી કિંમત ચૂકવી શકે તેવા ગ્રાહકોની શોધમાં નીકળ્યો હતો. પકડાયેલા આરોપી પાસે આ પદાર્થના વેચાણ, પરિવહન કે સંગ્રહ અંગેના કોઈ જ માન્ય દસ્તાવેજો કે વન વિભાગની મંજૂરી નહોતી.

આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે આ કિંમતી એમ્બરગ્રીસનો જથ્થો તેને વાવોલના ગુડાના મકાનમાં રહેતા વનરાજસિંહ મહેન્દ્રસિંહ ચાવડા નામના વ્યક્તિએ વેચાણ અર્થે સોંપ્યો હતો. પોલીસે વનરાજસિંહને કેસમાં વોન્ટેડ જાહેર કરીને તેની શોધખોળ શરૂ કરી છે.

પોલીસે કબજે કરેલા પદાર્થની ચોક્કસ ગુણવત્તા અને વૈજ્ઞાનિક ખરાઈ માટે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની ટીમને પોલીસ મથકે બોલાવી ચકાસણી હાથ ધરી છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ પદાર્થની ગેરકાયદે દાણચોરી પાછળ અન્ય કયા મોટા માથા કે આંતરરાજ્ય તસ્કરો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે તપાસ તેજ બનાવી છે.

ગાંધીનગરમાં ₹1 કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું

ચિલોડા પોલીસે વાવોલમાંથી વ્હેલ માછલીની ઉલટી (એમ્બરગ્રીસ) સાથે એજાદઅહમદ કુરેશીની ધરપકડ કરી ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વનરાજસિંહ ચાવડા નામના શખ્સે વેચાણ માટે માલ આપ્યો હોવાનું ખુલતાં તેને વોન્ટેડ જાહેર કરાયો છે. જપ્ત પદાર્થની ઓળખ માટે FSL ની મદદ લેવાઈ છે.