વડોદરામાં નિવૃત્ત દંપતી સાથે 23.78 લાખની ઠગાઈ!
- ઊંચા વ્યાજની લાલચ આપી ઓફિસને તાળા માર્યા!
- ત્રણ એજન્ટો સામે સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાઈ!
- કોર્ટના હુકમ બાદ પોલીસ ફરિયાદ, તપાસ શરૂ કરાઈ!
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરામાં વધુ વ્યાજની લાલચ આપીને રોકાણકારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા બાદ ઓફિસ બંધ કરી દેવાની ઘટના સામે આવી છે, જેમાં કારેલીબાગના 71 વર્ષીય નિવૃત્ત દંપતીને સમૃદ્ધ જીવન મલ્ટીસ્ટેટ મલ્ટી પર્પઝ કો-ઓપરેટિવ સોસાયટીમાં 11 થી 12 ટકા વ્યાજની ખાતરી આપીને કુલ રૂ. 23.78 લાખનું રોકાણ કરાવ્યા બાદ રકમ પરત ન મળતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ત્રણ એજન્ટો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે.
કારેલીબાગની અજીતનાથ સોસાયટીમાં રહેતા 2013 માં નિવૃત્ત થયેલા અરુણકુમાર શાહ અને તેમના પત્ની ઇનાબેનના સંપર્કમાં એજન્ટ સંદીપ નિમ્બાલકર, પ્રજ્ઞેશ દેસાઈ અને સચિન કદમ આવ્યા હતા અને મુદ્દલ સાથે ઊંચા વળતરની જવાબદારી પોતાની હોવાની ખાતરી આપી હતી.
એજન્ટોની વાતોમાં વિશ્વાસ રાખી દંપતીએ 18 ઓક્ટોબર, 2014 ના રોજ પ્રથમ તબક્કે રૂ. 2.50 લાખ અને ત્યારબાદ રેટિંગ કોન્ટ્રાક્ટ તેમજ લાઇવ સ્ટોક સહિતની વિવિધ યોજનાઓમાં 29 સપ્ટેમ્બર, 2015 સુધીમાં કુલ રૂ. 23,78,637 નું રોકાણ કર્યું હતું.
દંપતીએ અલકાપુરીમાં બોમ્બે શોપિંગ સેન્ટર પાસે માધવ કોમ્પ્લેક્સના 3જા માળે કાર્યરત શાખામાં નાણાં રોક્યા હતા અને મુખ્ય ઓફિસ પુણે ખાતે હતી, પરંતુ પાકતી મુદત બાદ નાણાં પરત મળ્યા નહોતા અને અલકાપુરીની શાખા પણ બંધ થઈ ગઈ હતી.
આ મામલે ઇનાબેને અગાઉ વડોદરા કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી અરજી કરી હતી, જેના અનુસંધાને 9 એપ્રિલ, 2026 ના રોજ કોર્ટના હુકમ બાદ સયાજીગંજ પોલીસે સંદીપ નિમ્બાલકર, પ્રજ્ઞેશ દેસાઈ અને સચિન કદમ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઊંચા વ્યાજની લાલચ અને રોકાણ સુરક્ષાની સતર્કતા
વધુ વળતર કે ઊંચા વ્યાજની લાલચ આપતી અજાણી કે અવિશ્વસનીય યોજનાઓમાં રોકાણ કરતા પહેલા સંસ્થાની માન્યતા અને વિશ્વસનીયતા ચકાસવી અત્યંત જરૂરી છે. ખાસ કરીને નિવૃત્ત નાગરિકોએ પોતાની જીવનભરની બચત સુરક્ષિત રાખવા સાવચેતી અને કાયદાકીય માર્ગદર્શનને પ્રાથમિકતા આપવી જોઈએ.