ડાકોરમાં મંદિરના નામે 1.25 કરોડની છેતરપિંડી થઈ!
- રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં પાંચ સામે ગુનો નોંધાયો!
- આફ્રિકાથી દાન આવવાની વાતે નિવૃત્ત અધિકારી છેતરાયા!
- 354 વીઘા જમીનના સાટાખત મુદ્દે વિવાદ વકર્યો!
સિટી ન્યુઝ @ રાજકોટ
રાજકોટના ભૂપેન્દ્ર રોડ સ્થિત મંદિર ખાતે ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવા માટે જમીન ખરીદવાના નામે નિવૃત્ત શાસનાધિકારી સાથે રૂ. 1.25 કરોડની છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે, જે અંગે રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખાએ 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરની ફરિયાદ મુજબ મે 2020 માં પરિચિત ચિંતન અશ્વિનભાઈ પરમારે ડાકોરમાં આશરે 400 વીઘા જમીન પર મંદિર પ્રોજેક્ટમાં રોકાણ અને કમિશનની વાત કરી હતી, ત્યારબાદ રાજકોટ મંદિરમાં માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી અને લાલજી બાવભાઇ ઢોલા સાથે મુલાકાત કરાવી હતી.
ફરિયાદીના જણાવ્યા મુજબ આફ્રિકાથી દાન આવવાનું હોવાથી જમીનના સાટાખત બતાવવાની વાત કરાઈ હતી અને ડાકોરના સૂઇ તથા સૈયત ગામમાં 354 વીઘા જમીનનો સોદો રૂ. 2.76 કરોડમાં નક્કી કર્યા બાદ 8 જૂન, 2020 ના રોજ જમીન માલિક જેકી શરદભાઇ રામીને રૂ. 1.24 કરોડ રોકડા અપાયા હતા અને સાટાખત કરાયું હતું.
અસલ સાટાખત અને કાગળો દાન બતાવવા માટે અપાયા બાદ 10 દિવસમાં નાણાં પરત આપવાની વાત થઈ હતી, પરંતુ પાછળથી આફ્રિકાથી દાન ન આવ્યાનું અને FCR સર્ટી બાકી હોવાનું જણાવી ટાળવામાં આવ્યું હતું તથા 8 મહિનામાં બાકી રકમ ન ચૂકવાયાનું કારણ આગળ ધરી જેકી રામીએ નાણાં પરત આપવાની ના પાડી હતી.
ફેબ્રુઆરી 2023 માં ડાકોર પોલીસ સ્ટેશનમાં અરજી બાદ થયેલી બેઠકમાં સાટાખત રદ કરી નવો સમજૂતી કરાર કરાયો હતો, પરંતુ આજદિન સુધી રજિસ્ટર્ડ દસ્તાવેજ કે રૂ. 1.25 કરોડ પરત ન મળતા આખરે રાજકોટમાં ચિંતન પરમાર, માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી, લાલજી ઢોલા અને જેકીકુમાર રામી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
મોટા નાણાકીય સોદા અને જમીન વ્યવહારોમાં સાવચેતી
જમીન ખરીદી કે મોટા નાણાકીય રોકાણના વ્યવહારોમાં મૌખિક ખાતરી કે દાન-કમિશનના દાવા પર આધાર રાખવાને બદલે કાયદેસર દસ્તાવેજો અને શરતોની પૂરેપૂરી ચકાસણી કરવી જરૂરી છે. વિવાદ ઊભો થાય ત્યારે સમયસર કાયદાકીય માર્ગદર્શન અને પુરાવાઓનું જતન નાણાકીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ બને છે.