ભાવનગરમાં શિક્ષણના વ્યાપારીકરણ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન: પોલીસ અને ABVP કાર્યકરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ
-
પોર્ટલમાંથી પ્રાઈવેટ યુનિવર્સિટીઓ ગાયબ હોવાનો આક્ષેપ; ‘શિક્ષણના વેપાર’ સામે વિદ્યાર્થી સંગઠન લાલઘૂમ
-
₹300 રજિસ્ટ્રેશન ફી બંધ કરો અને એડમિશન સ્વાયત્તતા આપો: ABVP ની સરકાર સામે લડત
-
વાઘાવાડી રોડ પર શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિઘ્ન; નીલમબાગ પોલીસ સ્ટેશનમાં કાર્યકરોની અટકાયત
ભાવનગર: ગુજરાતમાં કોલેજ પ્રવેશ માટે શરૂ કરાયેલા GCAS (Gujarat Common Admission Services) પોર્ટલની વિસંગતતાઓ અને ફીના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આંદોલન છેડવામાં આવ્યું છે. આ અંતર્ગત ભાવનગરના વાઘાવાડી રોડ પર યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું.
શિક્ષણના વ્યાપારીકરણનો આક્ષેપ ABVP ના ગુજરાત પ્રદેશ સહમંત્રી જયદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, જીકાસ પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીઓનો સમાવેશ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને નાછૂટકે મોંઘી ફી ભરી ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવા મજબૂર થવું પડે છે. સંગઠને વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી ₹300 ની રજિસ્ટ્રેશન ફીને તાત્કાલિક અસરથી નાબૂદ કરવાની માંગ કરી છે. તેમની માંગ છે કે જો ખાનગી યુનિવર્સિટીઓને પોર્ટલમાં સામેલ ન કરી શકાય, તો પ્રવેશ પ્રક્રિયાને ડી-સેન્ટ્રલાઈઝ કરી જે-તે યુનિવર્સિટીને પ્રવેશ માટેની સ્વાયત્તતા આપવી જોઈએ.
પોલીસ કાર્યવાહીથી રોષ વાઘાવાડી રોડ પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે કાર્યકરોને અટકાવવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું હતું. જયદીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો હતો કે, "શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા કાર્યકરો પર પોલીસે હુમલો કર્યો છે." આ ઘટના બાદ નીલમબાગ પોલીસે જયદીપસિંહ ગોહિલ સહિત અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
સ્વતંત્ર લડતની જાહેરાત પોતાની ઓળખ સ્પષ્ટ કરતા સંગઠને જણાવ્યું હતું કે, ABVP એ ભાજપનું સંગઠન નથી પરંતુ RSS સાથે સંકળાયેલી એક સ્વતંત્ર વિદ્યાર્થી સંસ્થા છે. સંગઠને ચીમકી ઉચ્ચારી છે કે જો રાજ્ય સરકાર દ્વારા ₹300 ની ફી અને પોર્ટલની ખામીઓ દૂર કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે અને ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.