Loading Please Wait !!!
કુલધર્મ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક ઓનલાઇન શિક્ષણ

» પીએમ મોદીની અપીલની પ્રેરણાથી એક અનોખી પહેલ

» સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ હેમંત લોખીલનું શાળાઓમાં માર્ગદર્શન અભિયાન

» 10, 12 કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે Kuldharm Education એપ શરૂ

» વેકેશનમાં ઘરે બેઠા અનુભવી શિક્ષકો દ્વારા વિષયવાર અને કારકિર્દી માર્ગદર્શન અપાશે

» ગ્રીન એજ્યુકેશન પ્રોજેક્ટ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછા 2 વૃક્ષ વાવવા પ્રેરણા અપાશે

સિટી ન્યૂઝ@રાજકોટ: વેકેશનના સમય દરમિયાન ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨ કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે “Kuldharm Education” એપ્લિકેશન મારફતે ૧ વિશેષ “Supporting Education” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કુલધર્મ સેવા ટ્રસ્ટના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ હેમંત લોખીલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ સાથે જોડાવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અભ્યાસ આગળ વધારવાની કરવામાં આવેલી અપીલને ધ્યાને લઈ કુલધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન ક્લાસિસ મારફતે નિશુલ્ક શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓ ઘરે બેઠા અનુભવી શિક્ષકો પાસેથી માર્ગદર્શન મેળવી શકશે, જેમાં બોર્ડ પરીક્ષાની તૈયારી, વિષયવાર માર્ગદર્શન, કારકિર્દી માર્ગદર્શન તેમજ અભ્યાસને સરળ બનાવતી ડિજિટલ શિક્ષણ પદ્ધતિનો સમાવેશ કરવામાં આવશે. વિશેષ રીતે ‘ગ્રીન ગુજરાત ગ્રીન એજ્યુકેશન પ્રોજેક્ટ’ અંતર્ગત શિક્ષણ સાથે પર્યાવરણ જાગૃતિને પણ જોડવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ ફ્રી અભ્યાસ પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીને પ્રકૃતિના સંવર્ધન માટે ઓછામાં ઓછા ૨ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવાની પ્રેરણા આપવામાં આવશે. પંકજકુમાર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ અને પર્યાવરણ બંને રાષ્ટ્રના ભવિષ્યના મજબૂત આધારસ્તંભ છે.

વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે તે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. કુલધર્મ સેવા ટ્રસ્ટનો મુખ્ય હેતુ ગુજરાતના દરેક વિદ્યાર્થી સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાનો અને સાથે પર્યાવરણ સંરક્ષણ માટે યુવા પેઢીને પ્રેરિત કરવાનો છે. કુલધર્મ સેવા ટ્રસ્ટના સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી સંભાળતા હેમંત લોખીલ હાલ સૌરાષ્ટ્ર વિસ્તારની વિવિધ સ્કૂલોમાં પ્રવાસ કરી રહ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને Kuldharm Education એપ્લિકેશન વિશે માર્ગદર્શન આપી રહ્યા છે. એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરવી, તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો અને ઓનલાઇન શિક્ષણનો મહત્તમ લાભ કેવી રીતે મેળવવો તે અંગે બાળકોને માહિતગાર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ વધુ માહિતી કે જોડાવવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૮૯૦-૯૮૭૦ અથવા ૬૩૫૬૬૩૫૬૫૩ પર સંપર્ક કરવો.