Loading Please Wait !!!
મુંબઈમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના સસરા અને સાળાની ધરપકડ: કાર ચાલક પર લાકડીઓ અને બેટથી હુમલો કરવાનો આક્ષેપ

 

  • પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે મઝગાંવમાં ખેલાયો લોહિયાળ ખેલ; કોર્ટે આરોપીઓને ૨જી મે સુધી જેલ હવાલે કર્યા

  • કાર ચાલકે માફી માંગી છતાં બેઝબોલ બેટ અને લાકડીઓથી કરાયો હુમલો; ભાયખલા પોલીસે BNS હેઠળ નોંધ્યો ગુનો

  •  સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરોની ઓળખ થઈ; પોલીસે ઘટનાસ્થળેથી લોખંડના બામ્બુ અને બેઝબોલ બેટ કબજે કર્યા

    મુંબઈના મઝગાંવ વિસ્તારમાં શનિવારે રાત્રે પાણીના છાંટા ઉડવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં વડોદરાના પૂર્વ ક્રિકેટર અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણના સસરા ખાલિદ ખાન અને સાળા ઉમરશાદ ખાન સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ કાર ચાલક અને તેના પરિવાર પર લાકડીઓ અને બેઝબોલ બેટ વડે હુમલો કરતા બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

    માફી માંગી છતાં ઉશ્કેરાયો પરિવાર ઘટનાની વિગતો મુજબ, યુસુફ ખાન નામનો યુવક પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે મઝગાંવના હીરાબાઈ કમ્પાઉન્ડ પાસે ખાડાને કારણે શોએબ ખાન (૩૫) પર પાણીના છાંટા ઉડ્યા હતા. યુસુફ ખાને કાર રોકીને તુરંત માફી માંગી હતી, તેમ છતાં શોએબ ખાન ઉશ્કેરાઈ ગયો હતો. આ દરમિયાન ખાલિદ ખાન (યુસુફ પઠાણના સસરા) અને તેમના પુત્ર ઉમરશાદ ખાન પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું.

    પોલીસ કાર્યવાહી અને સીસીટીવી તપાસ ભાયખલા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ખાલિદ ખાન, ઉમરશાદ ખાન અને શહઝાદ ખાનની ધરપકડ કરી છે. પોલીસે ઘટનાસ્થળે વપરાયેલા હથિયારો કબજે કર્યા છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને અદાલતમાં રજૂ કરતા તેમને ૨જી મે સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ હાલ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે આ માત્ર રોડ રેજની ઘટના છે કે પછી તેની પાછળ કોઈ જૂની અદાવત જવાબદાર હતી.