Loading Please Wait !!!
નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ'નું પહેલું ભક્તિમય ગીત 'જય જય રામ' રિલીઝ

 

  • ગીતમાં ‘અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ’ જેવા પરંપરાગત શ્લોકનો પણ ઉપયોગ

  • બે ભાગમાં રિલીઝ થનારી આ બહુચર્ચિત ફિલ્મ પર વ્યાપક સ્તરે કામ ચાલી રહ્યું છે

  • ગીતના શબ્દોમાં રામ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણની ભાવના વ્યક્ત થઈ છે

સિટી ન્યુઝ @ મુંબઈ

દિગ્દર્શક નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રામાયણ’નું પહેલું ભક્તિમય ગીત ‘જય જય રામ’ રિલીઝ થઈ ગયું છે. બે ભાગમાં રજૂ થનારી આ ફિલ્મનું આ ગીત શ્રેયા ઘોષાલ અને અરિજીત સિંહે પોતાના મધુર અવાજમાં ગાયું છે. ગીતનું સંગીત એ.આર. રહેમાને કમ્પોઝ કર્યું છે, જ્યારે તેમની સાથે હોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર હંસ ઝિમર પણ આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ગીતના શાનદાર બોલ ડૉ. કુમાર વિશ્વાસે લખ્યા છે, જે ગીતમાં આધ્યાત્મિક અને ભક્તિભાવના રંગ પૂરતા નજરે પડે છે.

આ ગીતના વિઝ્યુઅલ્સમાં ભગવાન રામ અને માતા સીતાના દિવ્ય સંબંધ અને તેમના ભવ્ય લગ્નને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ગીતમાં રણબીર કપૂર (રામ) અને સાઈ પલ્લવી (સીતા) સાથે રવિ દુબે (લક્ષ્મણ) આરતી કરતા દેખાય છે. ગીતમાં ‘જય જય રામ’ના પુનરાવર્તન ઉપરાંત ‘અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ’ જેવા પરંપરાગત શ્લોકોનો પણ સુંદર સમાવેશ કરવામાં આવ્યો છે, જે રામાયણની પૌરાણિક પૃષ્ઠભૂમિને આધુનિક સંગીત સાથે અદભુત રીતે જોડે છે.

સંગીત અને સિનેમાનો સમન્વય

જ્યારે ભારતીય સંસ્કૃતિ અને મહાકાવ્યોની કથાઓ આધુનિક ટેકનોલોજી, શ્રેષ્ઠ સંગીતકારો અને દિગ્ગજ કલાકારોના માધ્યમથી મોટા પડદા પર આવે છે, ત્યારે તે વૈશ્વિક સ્તરે દર્શકોમાં એક અનોખી શ્રદ્ધા અને આકર્ષણ જગાવે છે.