Loading Please Wait !!!
જામનગર જિલ્લા પંચાયતમાં વહેલી સવારે શોર્ટ સર્કિટથી આગ: હેલ્થ વિભાગની કચેરી બળીને ખાખ

 

  • 10 કોમ્પ્યુટર અને પ્રિન્ટર સ્વાહા; ₹9 લાખથી વધુનું નુકસાન, મોટી જાનહાનિ ટળી

  •  ડીપીએમયુ બ્રાન્ચમાં ફર્નિચર અને સરકારી દસ્તાવેજો ખાખ; સિક્યુરિટીની સતર્કતાથી આગ કાબૂમાં

  • ₹9 લાખની સરકારી મિલકતને નુકસાન; સ્ટેશન ફાયર ઓફિસર ડામોરની ટીમે આગ બુઝાવી

    જામનગર: જામનગર જિલ્લા પંચાયતના ભવનમાં આજે વહેલી સવારે આગની એક મોટી દુર્ઘટના બની હતી. કચેરીના બીજા માળે આવેલા હેલ્થ વિભાગની ડીપીએમયુ (DPMU) બ્રાન્ચમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી, જેમાં સરકારી મિલકતોને મોટું નુકસાન પહોંચ્યું છે.

    ઘટનાની વિગતો આજે વહેલી સવારે આશરે 6:30 વાગ્યાના સુમારે કચેરીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ સિક્યુરિટી વિભાગના પૃથ્વીરાજસિંહ જાડેજાએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. સ્ટેશન ફાયર ઓફિસર જે.કે. ડામોર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ એટલી વિકરાળ હતી કે હેલ્થ વિભાગમાં રહેલા 10 કોમ્પ્યુટર, 10 પ્રિન્ટર, ફર્નિચર અને અન્ય મહત્વનું ઓફિસ સાહિત્ય બળીને ખાખ થઈ ગયું હતું.

    જાનહાનિ ટળી અને નુકસાનનો અંદાજ સદનસીબે આ ઘટના વહેલી સવારે બની હતી અને કચેરીમાં કોઈ સ્ટાફ હાજર નહોતો, જેથી મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક અંદાજ મુજબ આ આગમાં જિલ્લા પંચાયતને ₹9 લાખથી વધુનું આર્થિક નુકસાન થયું છે. ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે આગ બીજા માળના અન્ય વિભાગોમાં પ્રસરતી અટકી હતી, જેનાથી મોટી હોનારત ટળી છે.

    ઘટના બાદ જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં આગ લાગવાના ટેકનિકલ કારણો અને બળી ગયેલા દસ્તાવેજોની ગંભીરતા ચકાસવા માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.