Loading Please Wait !!!
સાણંદના વિંછીયા ગામમાં પિતાએ કરી પુત્રની હત્યા!

માતાજીની દેરી પાસે માસૂમ બાળકને પછાડીને માર્યો!
હત્યા કર્યા બાદ બાળકના મૃતદેહ બાજુમાં સૂઈ ગયો!
ભુવા બનવાની અંધશ્રદ્ધામાં પિતાએ લીધો દીકરાનો ભોગ!

સિટી ન્યુઝ @ અમદાવાદ 

અમદાવાદ ગ્રામ્યના સાણંદ સ્થિત વિંછીયા ગામમાં એક અત્યંત હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ અંધશ્રદ્ધા અને પાગલપનમાં આવીને પોતાના જ 10 વર્ષના માસૂમ દીકરાને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, આરોપી નરેશના ત્રાસથી કંટાળીને તેની પત્ની ભારતીબેન દસ દિવસ પહેલાં પિયર ગઈ હતી, પરંતુ પુત્ર કરણની પરીક્ષા હોવાથી તેને પિતા પાસે છોડી દીધો હતો, અને 1 નવેમ્બરની સાંજે પાડોશી દ્વારા બાળકને માર માર્યાની જાણ થતાં તેઓ વિંછીયા દોડી આવ્યા હતા.

ઘરે પહોંચેલા ભારતીબેનને ઘર પાસે આવેલી જોગણીમાતાની દેરી નજીક ખાટલામાં પુત્ર કરણનો લોહીલુહાણ મૃતદેહ મળ્યો હતો, જ્યારે હત્યારો પિતા લોહીવાળા કપડે તેની બાજુમાં જ સૂતેલો નજરે પડ્યો હતો.

પૂછપરછ દરમિયાન આરોપી નરેશે ચોંકાવનારી કબૂલાત કરી હતી કે પોતે અને તેના પિતા ભુવા હતા, જેથી ઘરમાં અન્ય કોઈ ભુવો ન બને તે માટે તેણે દીકરાને માતાજીની દેરી પર પછાડીને અને લાકડીના ફટકા મારીને હત્યા કરી છે.

આ ભયાનક ઘટનાની જાણ થતાં જ સાણંદ પોલીસ મથકનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને માતા ભારતીબેનની ફરિયાદના આધારે હત્યારા પિતા વિરુદ્ધ કડક ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

અંધશ્રદ્ધા અને માનસિક વિકૃતિનું કરુણ અંજામ

આજના આધુનિક યુગમાં પણ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને વહેમો કેટલી હદ સુધી માનવતાને શરમજનક બનાવી શકે છે તેનું આ સૌથી ભયાનક ઉદાહરણ છે. જ્યારે પિતા જ પોતાના જ લોહી અને માસૂમ સંતાનનો ભુવા બનવાની હરીફાઈ કે અંધવિશ્વાસ પાછળ શિકાર બનાવી દે, ત્યારે કાયદો અને સંવેદના બંને મૂગા બની જતા હોય છે. પરિવારના અહંકાર અને કૂસંપના કારણે એક નિષ્પાપ બાળકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જે સમગ્ર સમાજ માટે ચિંતા અને આત્મચિંતનનો વિષય છે. આવી માનસિક વિકૃતિઓ અને કુપ્રથાઓને ડામવા માટે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ પણ એટલી જ અનિવાર્ય છે.