પાદરા-જંબુસર હાઈવે પર કાળમુખા ડમ્પરનો કહેર: રણુ ગામના 56 વર્ષીય પ્રોઢનું અકસ્માતમાં કરુણ મોત
-
ડમ્પર નીચે બાઈક કચડાઈ જતાં સર્જાયા હૃદયદ્રાવક દ્રશ્યો; ફુલબાગ જકાતનાકા પાસે અકસ્માતે વધુ એક જિંદગી હોમી
-
ડમ્પરના આગળના ભાગમાં આખેઆખું બાઈક ઘૂસી ગયું- અકસ્માત જોઈ લોકોના કાળજા કંપી ઉઠ્યા; પોલીસે હાથ ધરી તપાસ
-
ભયાનક અકસ્માત- ડમ્પર નીચેથી મૃતદેહ બહાર કાઢવા પોલીસે મથામણ કરી; હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો
વડોદરા : વડોદરા જિલ્લાના પાદરા-જંબુસર હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પાદરા તાલુકાના ફુલબાગ જકાતનાકા પાસે પુરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર અને બાઈક વચ્ચે ગમખ્વાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બાઈક સવાર દિલીપભાઈ પટેલ (ઉંમર વર્ષ ૫૬) નું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. મૃતક પાદરાના રણુ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, જેમના અચાનક અવસાનથી પરિવારમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.
મળતી વિગતો અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પર અને બાઈક વચ્ચેની ટક્કર બાદ બાઈક આખેઆખું ડમ્પરના આગળના ભાગમાં ઘૂસી ગયું હતું. બાઈક ચાલક દિલીપભાઈ પણ વાહન સાથે ડમ્પર નીચે ફસાઈ ગયા હતા અને તેમને શરીરે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના દ્રશ્યો એટલા ચોંકાવનારા હતા કે રસ્તે ચાલતા વાહનચાલકો અને આસપાસના લોકો પણ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બનાવની જાણ થતા જ સ્થાનિકો ઘટનાસ્થળે મદદે દોડી આવ્યા હતા.
દુર્ઘટનાની જાણ થતા જ પાદરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થાનિકોની મદદથી ડમ્પર નીચે ફસાયેલા દિલીપભાઈ પટેલને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. જોકે, ત્યાં સુધીમાં તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે પાદરાની સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાયો હતો.
હાઈવે પર ફરી એકવાર ભારદારી વાહનચાલકની બેદરકારી સામે આવી છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ડમ્પરની ગતિ મર્યાદા કરતા વધુ હતી, જેના કારણે ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. ડમ્પરના આગળના ભાગમાં બાઈક ફસાઈ જવું એ અકસ્માતની તીવ્રતા દર્શાવે છે. પાદરા પંથકમાં ભારે વાહનોના ત્રાસથી અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાયા હોવાની રાવ ઉઠી રહી છે.
પાદરા પોલીસે આ મામલે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અકસ્માત સર્જીને નાસી છૂટવાનો પ્રયાસ કરનાર ડમ્પર ચાલકની અટકાયત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. હાઈવે પર વધતા જતા જીવલેણ અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા ભારે વાહનોના ચેકિંગ અને ઝડપ પર નિયંત્રણ લાવવાની માંગ ઉઠી રહી છે.