Loading Please Wait !!!
જામનગરમાં હાઈટેન્શન લાઈન સામે ખેડૂતોનો બ્યુગલ: 'હવે તો 15 જૂન, એક જ ધૂન'

  • મોટી બાણુંગરમાં યોજાઈ પ્રચંડ મહાસભા; ગાંધીનગરમાં ઐતિહાસિક ટ્રેક્ટર રેલી યોજવા એલાન
  • બહેન-દીકરીઓને ઢસડવા મુદ્દે કિસાન નેતા આક્રમક, રાજ્યના DGP સમક્ષ કરાઈ રજૂઆત
  • ટ્રેક્ટરો સાથે ઉમટી પડ્યા હજારો ધરતીપુત્રો; જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ હાજર રહ્યા

સિટી ન્યુઝ @ જામનગર

જામનગરના મોટી બાણુંગર ગામે ખેતીની કિંમતી જમીનમાંથી બળજબરીપૂર્વક પસાર થઈ રહેલી હાઈટેન્શન વીજ લાઈન નાખવાના વિરોધમાં હજારો ધરતીપુત્રોએ એક પ્રચંડ મહાસભા યોજીને સરકાર સામે આરપારના જંગનું એલાન કરી દીધું છે. આસપાસના અસંખ્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો પોતાના ટ્રેક્ટરો સાથે આ જનસભામાં ઉમટી પડ્યા હતા. ખેડૂતોના આ આક્રમક અને સંગઠિત વલણને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન હાઈ-એલર્ટ પર આવી ગયું હતું. આ મહાસભામાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, કિસાન કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પાલ આંબલીયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા સહિતના અગ્રણી નેતાઓએ હાજર રહીને આંદોલનને ઉગ્ર બનાવવાની જાહેરાત કરી હતી.

મહાસભાને સંબોધતા કિસાન આગેવાન પાલ આંબલીયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, "ખેડૂતો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, કાળું દમન થાય છે અને પ્રદર્શન દરમિયાન આપણી બહેન-દીકરીઓને નિર્દયતાથી ઢસડવામાં આવે છે. સત્તામાં બેઠેલા બે-પાંચ મંત્રીઓના લાગતા-વળગતા કંપનીઓવાળા અને ઉદ્યોગપતિઓના ફાયદા માટે ખેડૂતની છાતીમાં વીજળીના થાંભલાઓ નાખીને તેમનો શ્વાસ રૂંધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે." આ અન્યાય સામે હવે ગુજરાતના તમામ ખેડૂતોમાં એક જ સૂર અને એક જ વાત ગૂંજી રહી છે- ‘૧૫ જૂન, એક જ ધૂન’. તેમણે આગામી રણનીતિ સ્પષ્ટ કરતા એલાન કર્યું કે ૧૫ જૂને ગાંધીનગરમાં એક વિશાળ, શાંતિપૂર્ણ પરંતુ અભૂતપૂર્વ ‘ટ્રેક્ટર રેલી’નું આયોજન કરવામાં આવ્યું છે, જે ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

ખેડૂત નેતાઓએ વધુમાં જણાવ્યું હતું કે આ ગંભીર મામલે તેઓ રાજ્યના ડીજીપી (DGP) ને રૂબરૂ મળીને આવ્યા છે અને રજૂઆત કરી છે કે આંદોલન દરમિયાન જે રીતે ખેડૂતોના ઘરના તાળા તોડવામાં આવ્યા છે અને બહેન-દીકરીઓ સાથે ગેરવર્તણૂક થઈ છે તેની તટસ્થ તપાસ થાય. ખેડૂતો આ વખતે માત્ર વીજ લાઈન જ નહીં, પરંતુ જમીન માપણી અને કાપણીના વિવાદો, ખેડૂતો-પશુપાલકોની સંપૂર્ણ દેવા માફી, ખેત ઉત્પાદનો અને દૂધ પેદાશો માટે ગેરંટીવાળો MSP કાયદો, ખાતરના ત્રણ ગણા વધેલા ભાવો પર સબસિડી અને મીટર પ્રથા બંધ કરીને હોર્સ પાવર દીઠ સતત ૮ કલાક સળંગ વીજળી આપવા જેવા ૫ મુખ્ય પડતર મુદ્દાઓને લઈને ગાંધીનગર ઘેરીને આંદોલન તેજ કરશે.

ગાંધીનગરમાં કિસાન સંગઠનો શક્તિપ્રદર્શન કરવા સજ્જ આગામી ૧૫ જૂને યોજાનારી કિસાન ટ્રેક્ટર રેલીને સફળ બનાવવા માટે જામનગર, મોરબી, રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હજારો ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરવાની તૈયારી કરી ચૂક્યા છે. ખેડૂત સંગઠનોના મતે, જો સરકાર હજુ પણ ઉદ્યોગપતિઓનો પક્ષ લઈને ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ કરશે, તો આ આંદોલન સમગ્ર રાજ્યમાં અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે જેની સંપૂર્ણ જવાબદારી શાસક પક્ષની રહેશે.