HDFC બેંકના મશીનમાં 500ની 20 નકલી નોટો મળતા SOGએ કૌભાંડનો પર્દાફાશ કર્યો.
- HDFC બેંકના મશીનમાં 500ની 20 નકલી નોટો મળતા SOGએ કૌભાંડનો પર્દાફાશ કર્યો
- રાજસ્થાનના મુખ્ય સૂત્રધાર સહિતની ટોળકી ગિરફ્તાર; 137 જેટલી 500ની નોટો કબજે લેવાઈ.
- વાઘોડિયા રોડ પરથી સાગર, નિસર્ગ અને ધનુષ સહિતની ટોળકી ઝડપાઈ; પોલીસ તપાસ તેજ
સિટી ન્યૂઝ @ વડોદરા: વડોદરા શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ શહેરની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ નોટો જમા કરાવી તેને બજારમાં ફરતી કરવાના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે પોલીસે રાજસ્થાનના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 6 શખ્સોની ધરપકડ કરી છે. આ ટોળકી અત્યંત શાતિર રીતે બેંકના ડિપોઝિટ મશીનો દ્વારા નકલી નોટો સિસ્ટમમાં ઘુસાડતી હતી, જેની જાણકારી 29 April ના રોજ HDFC બેંકના મશીનમાંથી મળી આવેલી 500 ના દરની 20 ડુપ્લીકેટ નોટો પરથી થઈ હતી.
આ સમગ્ર કૌભાંડની શરૂઆત ત્યારે થઈ જ્યારે વલસાડના ડુંગરી ગામે રહેતા સાગર રમેશભાઈ મારૂના ખાતામાં વડોદરામાંથી નકલી નોટો જમા થઈ હોવાનું બેંકના ધ્યાને આવ્યું હતું. બેંક દ્વારા વડોદરા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ SOG તપાસમાં જોડાઈ હતી. પોલીસે વાઘોડિયા રોડ ખાતેના કાન્હા ડ્રીમલેન્ડ ફ્લેટમાં દરોડો પાડી સાગર મારૂને દબોચી લીધો હતો અને તેના કબજામાંથી 2.18 લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી હતી.
સાગરની આકરી પૂછપરછમાં એક પછી એક કડીઓ ખુલતી ગઈ હતી. સાગરને આ નકલી નોટો તેનો મિત્ર નિસર્ગ પટેલ પૂરી પાડતો હતો. પોલીસે નિસર્ગને વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડતા તેની પાસેથી 500 ના દરની 35 ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. ત્યારબાદ નિસર્ગની કબૂલાતના આધારે ધનુષ હલ્લીકેરી, ભાવેશ શર્મા અને તીર્થ લીખીયા નામના અન્ય ત્રણ સાગરીતોની પણ હોસ્ટેલ અને નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી, જેઓ આ નેટવર્કમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા.
પોલીસ તપાસમાં આ કૌભાંડના તાર છેક રાજસ્થાન સુધી પહોંચ્યા હતા. વડોદરા પોલીસે તાત્કાલિક એક ટીમ રાજસ્થાન મોકલી હતી અને ત્યાંથી મુખ્ય સૂત્રધાર અક્ષય સાવરલાલ ગોયલને પકડી પાડ્યો હતો. જોકે, અન્ય એક સૂત્રધાર મનોહર ઉર્ફે મુન્નો ગુજર પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તમામ આરોપીઓ પાસેથી 500 ના દરની 137 થી વધુ ડુપ્લીકેટ નોટો, 2.27 લાખની રોકડ, 5 મોબાઈલ અને એક હ્યુન્ડાઈ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ ષડયંત્ર કેટલા સમયથી ચાલતું હતું અને અત્યાર સુધી બજારમાં કેટલી નકલી નોટો ઘુસાડવામાં આવી છે તે જાણવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરાઈ છે જેથી ફરાર આરોપી મુન્નો ગુજર અને નકલી નોટો છાપવાના સ્ત્રોત સુધી પહોંચી શકાય. બેંકના ઓટોમેટેડ મશીનોમાં નકલી નોટો સ્વીકારાઈ જવી તે બેંકિંગ સુરક્ષા સામે પણ એક મોટો પડકાર બની ગયો છે.